છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા:આમ આદમી પાર્ટીના 3 સભ્યોનું ભાજપ દ્વારા અપહરણ કરાયાના આક્ષેપ, AAPના વોકઆઉટ વચ્ચે ભાજપે બોર્ડ બનાવ્યું

Gujarat5/23/2026, 10:29:31 AM
છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા:આમ આદમી પાર્ટીના 3 સભ્યોનું ભાજપ દ્વારા અપહરણ કરાયાના આક્ષેપ, AAPના વોકઆઉટ વચ્ચે ભાજપે બોર્ડ બનાવ્યું
છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે રાજકીય ગરમાવો અને વિવાદ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના 3 સભ્યોનું ભાજપ દ્વારા અપહરણ કરાયું હોવાના આક્ષેપ સાથે AAPના સભ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યો હતો. આ હોબાળા વચ્ચે ભાજપે પોતાના 13 સભ્યોના મતના આધારે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી બોર્ડની રચના કરી લીધી છે. બંને પક્ષો વચ્ચે ટાઈની સ્થિતિ હતી તાજેતરમાં યોજાયેલી છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 26 બેઠકોમાંથી ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને 13-13 બેઠકો મળી હતી. બરાબરીની સ્થિતિ હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પર સૌની નજર હતી કે સત્તાની ચાવી કોના હાથમાં જશે. મતદાન પહેલાં જ હાઈડ્રામા મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓ તેમના 3 સભ્યોને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા છે. આ ઘટનાના વિરોધમાં AAPના બાકીના સભ્યોએ ચૂંટણી ગૃહમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ મતદાન પ્રક્રિયામાંથી વોકઆઉટ કર્યો હતો. સભ્યોના વોકઆઉટ બાદ ગૃહમાં હાજર ભાજપના 13 સભ્યોની મદદથી જ ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. રમેશ રાઠવા પ્રમુખ અને સુરજી રાઠવા ઉપપ્રમુખ બન્યા AAPના બહિષ્કાર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના રમેશ ભૂરસિંહ રાઠવાને પ્રમુખ તરીકે અને સુરજી કંદુ રાઠવાને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આમ, ભાજપે પોતાના 13 સભ્યોના જોરે છોટાઉદેપુર તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો હતો. પોલીસની મિલીભગતનો આક્ષેપ અને હોબાળો બીજી તરફ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ પોલીટેકનિક કોલેજના મુખ્ય ગેટ પાસે એકઠા થઈને ભાજપ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. AAPના નેતા વિનુ રાઠવાએ આક્ષેપ કર્યો હતો કે, "અમારા સભ્યોને જાહેરમાં ઘસડીને લઈ જવામાં આવ્યા છે, આ લોકશાહીની હત્યા છે." જ્યારે AAPના પ્રમુખપદના ઉમેદવાર શરમાબેન રાઠવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "પોલીસે માત્ર અમારી જ પૂછપરછ કરી હતી અને પોલીસની મિલીભગતથી જ અમારા સભ્યોને મેઈન ગેટ પરથી લઈ જવામાં આવ્યા છે." સમગ્ર દિવસ દરમિયાન છોટાઉદેપુરમાં ફિલ્મી ડ્રામા જેવા દ્રશ્યો સર્જાયા હતા, જે અંતે ભાજપ શાસનની સ્થાપના સાથે શાંત પડ્યા હતા.
Read Original Article →