છોટાઉદેપુરમાં વિજયોત્સવ વચ્ચે સાંસદનો બંદૂકધારી ડાન્સ:જસુભાઈ રાઠવા ગળામાં કારતૂસનો પટ્ટો અને હાથમાં રાઇફલ સાથે નાચ્યા; વીડિયો વાયરલ
ગઈકાલે છોટાઉદેપુર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીના પરિણામો બાદ યોજાયેલા ભાજપના વિજયોત્સવમાં સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવા હાથમાં બંદૂક લઈને નાચતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. એકતરફ સત્તા મેળવવાનો રોમાંચ અને બીજી તરફ જવાબદાર લોકપ્રતિનિધિનું આવું હથિયારધારી પ્રદર્શન હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે. સત્તાની ખેંચતાણ અને પરિણામોમાં ટાઈની સ્થિતિ મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંને પક્ષોના 13-13 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. બેઠકોની સંખ્યા સરખી હોવાના કારણે પ્રમુખ પદની આ ચૂંટણીમાં ભારે રસાકસી અને ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. વિપક્ષના ગંભીર આક્ષેપો અને ચૂંટણીમાંથી વોકઆઉટ આ ગજગ્રાહ વચ્ચે ગઈકાલે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ શાસક પક્ષ ભાજપ પર તેમના 3 સભ્યોને બળજબરીપૂર્વક ઉપાડી ગયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ રાજકીય આક્ષેપો અને હોબાળા બાદ આમ આદમી પાર્ટીના તમામ સભ્યોએ ચૂંટણી પ્રક્રિયામાંથી વોકઆઉટ કરી દીધું હતું. ભાજપની જીત અને સાંસદનો વિવાદાસ્પદ ડાન્સ આમ આદમી પાર્ટીના સભ્યોના વોકઆઉટ કર્યા બાદ, ભાજપના તમામ 13 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેના પરિણામે ભાજપના રમેશ રાઠવા બહુમતીથી છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ જીતની ખુશીમાં યોજાયેલા વિજયોત્સવ દરમિયાન છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તમામ મર્યાદાઓ ભૂલીને હાથમાં બંદૂક અને ગળામાં કારતૂસનો પટ્ટો લટકાવીને બેફામ ડાન્સ કરતા કેમેરામાં કેદ થયા હતા.
સરપંચથી સાંસદ સુધીની રાજકીય સફર રાજકારણમાં પાયાના કાર્યકર તરીકે લોકસેવાની શરૂઆત કરનાર જશુભાઈ રાઠવાએ ગ્રામીણ સ્તરના સરપંચ પદથી લઈને દેશની સર્વોચ્ચ સંસદના સાંસદ બનવા સુધીની એક પ્રભાવશાળી અને સંઘર્ષપૂર્ણ સફર ખેડી છે. સંગઠન પર મજબૂત પકડ ધરાવતા જશુભાઈએ સત્તા અને સંગઠન બંને મોરચે પોતાની ક્ષમતા સાબિત કરી છે, જેમાં તેઓ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રમુખ તરીકે પણ એક સફળ ટર્મ (કાર્યકાળ) પૂર્ણ કરી ચૂક્યા છે 2017ના પરાજયના સબકમાંથી 2024માં મેળવ્યો વિજય. જોકે, તેમની આ રાજકીય સફર માત્ર નિતનવા શિખરો સર કરવાની જ નથી રહી, પરંતુ તેમાં કપરા ચઢાણો પણ આવ્યા છે. વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના પર ભરોસો મૂકીને છોટાઉદેપુર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ જંગમાં તેમનો સામનો ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ અને દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા સામે થયો હતો. એ પ્રતિષ્ઠાભરી લડાઈમાં જશુભાઈનો પરાજય ચોક્કસ થયો હતો, પરંતુ આ હારથી નાસીપાસ થવાને બદલે તેમણે જનતા વચ્ચે જઈને પોતાનું લોકસંપર્કનું કામ ચાલુ રાખ્યું હતું. આ જ અથાક પરિશ્રમના પરિણામે, વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં પક્ષે ફરી એકવાર દેશના સૌથી મોટા મંચ માટે તેમના પર વિશ્વાસ મૂક્યો અને જશુભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનીને સીધા દિલ્હીની સંસદમાં પહોંચ્યા.
Read Original Article →