ગુજરાત અને MPને જોડતા સરહદી રોડ મુદ્દે સ્થાનિકો રોષે ભરાયા:છોટાઉદેપુરનો કવાંટ-રેનદા વચ્ચે 13 KMના રોડ 2 વર્ષથી બિસ્માર, અકસ્માતનો ભય, કામ શરૂ કરવા 15 દિવસનું અલ્ટીમેટમ
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ અને રેનદાને જોડતો 13 KMનો મુખ્ય માર્ગ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા આ સરહદી માર્ગની દુર્દશાના કારણે સ્થાનિક વાહનચાલકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તેમજ અહીં અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. દરમિયાન રોડની માગ સાથે રેનદા ગામના ગ્રામજનોએ નારાબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો અને 15 દિવસમાં કામ શરૂ ન થાય તો આંદોલન કરી રોડ બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉગ્ર આંદોલનની ચીમકી
રેનદા ગામના સ્થાનિક અજય રાઠવાએ જણાવ્યું હતુ કે, છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં બોર્ડર વિલેજ પર આવેલો આ રોડ સરકાર તરફથી ₹73 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પરંતુ હજી સુધી આર એન્ડ બી (RB) વિભાગ કે કલેક્ટર ઓફિસ તરફથી કોઈ અધિકારી અહીં નિરીક્ષણ કરવા આવ્યા નથી. આ આખા 13 કિલોમીટરના રસ્તા પર ક્યાંય ડામર કે કાંકરી જોવા મળતા નથી, રસ્તો સાવ બિસ્માર છે. અમારી માગ છે કે આગામી 15 દિવસમાં આ રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવે. જો તેમ નહીં થાય, તો અમે તમામ ગ્રામજનો અને આ 13 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામના સરપંચો સાથે મળીને, ગ્રામસભાની મંજૂરી લઈને આ રોડ સંપૂર્ણપણે બંધ કરી દઈશું અને ઉગ્ર આંદોલન કરીશું. રોડની હાલત જોવા તંત્રને પડકાર ફેંક્યો
રેનદા ગામના સરપંચ હસલાભાઈ રાઠવાએ જણાવ્યું હતુ કે,અમારે ત્યાં ક્વાંટથી રેનદા સુધીનો 13 કિલોમીટરનો આ મુખ્ય રોડ આવેલો છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કર્યા બાદ આ રોડ માટે ₹73 કરોડ રૂપિયા મંજૂર થયા છે એવું સરકાર છેલ્લા છ મહિનાથી કહી રહી છે, પરંતુ ધરાતલ પર હજી સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. તંત્ર કે સરકારે આ રસ્તા તરફ કોઈ ધ્યાન આપ્યું નથી. અમે તંત્રને ખુલ્લો પડકાર ફેંકીએ છીએ કે તેઓ અહીં આવે અને જાતે જુએ કે અત્યારે અમારા રોડની હાલત કેટલી બદતર છે. ટેન્ડર પ્રક્રિયા બાદ વર્ક ઓર્ડર અપાશે
છોટાઉદેપુર જિલ્લાના RD કાર્યપાલક ઈજનેર નેહલ નાયકે જણાવ્યું હતું કે, ક્વાંટ-રેનદા રસ્તાના 0થી 13 કિલોમીટરના કામ માટે સી.આર.એફ. (CRF) અંતર્ગત ₹73 કરોડ મંજૂર થયેલા છે. આ રસ્તાનું કામ હાલ ડી.ટી.પી. (DTP) સ્ટેજ પર છે. એસ્ટિમેટ અને ટેકનિકલ સેન્શનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેવી DTP મંજૂરી મળશે, તુરંત જ તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં જ સંબંધિત એજન્સીને વર્ક ઓર્ડર આપીને રસ્તાનું નવીનીકરણ અને વાઈડનિંગ/સેન્ટરિંગનું કામ શરૂ કરી દેવામાં આવશે. ધૂળની ડમરીઓ અને ઊબડખાબડ રસ્તો
હાલમાં આ માર્ગ પરથી ડામરનું નામનિશાન મટી ગયું છે અને મોટા તીક્ષ્ણ પથ્થરો બહાર આવી ગયા છે, જેના કારણે નાના-મોટા વાહનોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ ઊબડખાબડ અને ધૂળિયા રસ્તા પરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે, ત્યારે હવામાં ધૂળની કાળઝાળ ડમરીઓ ઉડે છે. આ ધૂળના કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા) શૂન્ય થઈ જતાં પાછળ આવતા વાહનચાલકોને આગળનું વાહન દેખાતું નથી, જે ગંભીર અકસ્માતોને આમંત્રણ આપી રહ્યું છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ સામે ખતરો
રસ્તા પર સતત ઉડતી ધૂળ માત્ર પર્યાવરણને જ નુકસાન નથી પહોંચાડી રહી, પરંતુ આસપાસના ગ્રામીણ વિસ્તારોના રસ્તા નજીક રહેતા લોકોના સ્વાસ્થ્ય સામે પણ મોટો ખતરો ઊભો કર્યો છે. સ્થાનિકોમાં શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ અને ફેફસાના રોગો થવાની આશંકાઓ સેવાઈ રહી છે. ચોમાસામાં કટોકટી અને આરોગ્ય સેવા ખોરવાઈ
ચોમાસા દરમિયાન આ માર્ગની સ્થિતિ વધુ દયનીય બને છે. વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તાના ખાડાઓ મોટા ખાબોચિયામાં ફેરવાઈ જાય છે, જેનાથી કવાંટ તાલુકા મથકે પહોંચવું અશક્ય બની જાય છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કટોકટીના સમયે બીમાર દર્દીઓ કે સગર્ભા મહિલાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થાય છે, જેના કારણે ભૂતકાળમાં કેટલાક દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. વહેલી તકે નવો રોડ બનાવવાની માગ
વાહનચાલકો અને સ્થાનિક પંથકના લોકોની દૈનિક મુશ્કેલીઓનો અંત આવે અને અકસ્માતો અટકે તે માટે તંત્ર દ્વારા આ 13 KMના કવાંટ-રેનદા રોડનું વહેલી તકે પુનઃનિર્માણ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.
Read Original Article →