છોટા ઉદેપુરમાં AAP તાલુકા પ્રમુખ પર હુમલો:જિલ્લા પંચાયત સભ્ય સામે ફરિયાદ, પ્રમુખપદને લઈ વિવાદ, ફિલ્મી ઢબે ગાડીઓ પાછળ દોડાવી હુમલો કરાવ્યાની ફરિયાદ

Gujarat5/23/2026, 12:27:29 PM
છોટા ઉદેપુરમાં AAP તાલુકા પ્રમુખ પર હુમલો:જિલ્લા પંચાયત સભ્ય સામે ફરિયાદ, પ્રમુખપદને લઈ વિવાદ, ફિલ્મી ઢબે ગાડીઓ પાછળ દોડાવી હુમલો કરાવ્યાની ફરિયાદ
છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખપદ મેળવવા માટે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પોતાના નજીકના માણસને પ્રમુખ બનાવવાના મુદ્દે રાખેલી અદાવતમાં આપના જિલ્લા પંચાયત સભ્યએ જ તાલુકા પ્રમુખ પર ફિલ્મી ઢબે ગાડીઓ પાછળ દોડાવી હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પરિણામોમાં ટાઈ પડતા રાજકીય ગરમાવો છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને 13-13 બેઠકો મળતા ટાઈ પડી છે. બંને પક્ષો બહુમતી સાબિત કરી પ્રમુખપદ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન આપના જિલ્લા પંચાયત સભ્ય રાજેશ વિરસિંગ રાઠવા પોતાના મનગમતા માણસને તાલુકા પ્રમુખપદ માટે દાવેદારી કરાવવા માંગતા હતા, પરંતુ પાર્ટીએ તેને મંજૂરી આપી ન હતી. આ બાબતની અદાવત રાખીને તાલુકા પ્રમુખ શ્રીકુંજકુમાર રાઠવા પર કાવતરું રચીને હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ફિલ્મી ઢબે ગાડીઓ પાછળ દોડાવી ઘેરાબંધી કરી ઘટનાની વિગત મુજબ, 20 મેના રોજ આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજકુમાર રાઠવા બરોજના ચૂંટાયેલા સભ્ય દેવલા રાઠવા, તેમના મિત્ર ભાલજી અને એકલબારા બેઠકના સભ્ય બાવા નાયકા સાથે ગાડી લઈને મધ્યપ્રદેશ ગયા હતા. રાત્રે પરત ફરતી વખતે આશરે 8:30 વાગ્યે એક નંબર વગરની બ્રેઝા ગાડીએ તેમનો પીછો શરૂ કર્યો હતો. અંબાલા ગામ પાસે બ્રેઝા ગાડી ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ હતી. રાત્રે 9:30 વાગ્યાની આસપાસ શ્રીકુંજકુમાર વસેડી તરફ પેટ્રોલ પુરાવવા ઊભા રહ્યા ત્યારે આ શંકાસ્પદ ગાડી ત્યાં હાજર હતી. ત્યારબાદ બાવા નાયકાને ઉતારવા કસારા ગામ તરફ જતી વખતે અચાનક એક બોલેરો ગાડીએ આગળ આવીને શ્રીકુંજકુમારની ગાડીનો રસ્તો બ્લોક કરી દીધો હતો. બોલેરોમાંથી 4 વ્યક્તિઓ તીક્ષ્ણ હથિયારો સાથે ઉતર્યા હતા અને અન્ય 3 લોકો નજીકમાંથી દોડી આવ્યા હતા. બ્રેક ફેલ થતાં ગાડી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ હુમલાખોરોથી બચવા શ્રીકુંજકુમારે ગાડી રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાછળ પીછો કરતી બ્રેઝા ગાડી આવી ગઈ હતી. બચવા માટે તેમણે કસારા તરફ ગાડી હંકારી મૂકી હતી. સિંગલ રસ્તો હોવાથી હુમલાખોરો ઓવરટેક કરી શક્યા ન હતા, પરંતુ એકલબારા ગામ પાસે રસ્તો પહોળો મળતા બ્રેઝા ગાડીએ ઓવરટેક કરીને શ્રીકુંજકુમારની ગાડી આગળ ઊભી રાખી દીધી હતી, જેથી બંને ગાડીઓ વચ્ચે અકસ્માત થયો હતો. પાછળથી બોલેરો પણ અથડાઈ હતી. હુમલાખોરોએ હથિયારો વડે શ્રીકુંજકુમારની ગાડીના પાછળના કાચ તોડી નાખ્યા હતા. જીવ બચાવવા માટે શ્રીકુંજકુમારે ગાડી ખુલ્લા ખેતરમાં લીધી હતી, પરંતુ ગામ તરફ પાછા વળતી વખતે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ગાડી આગળ ઉભેલા એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાતા બંધ પડી ગઈ હતી. જેથી ગાડીમાં સવાર ચારેય વ્યક્તિઓ ઉતરીને નજીકમાં સંતાઈ ગયા હતા. પિતાની સામે જ કોલર પકડીને ઝપાઝપી કરી શ્રીકુંજકુમારે આ અંગે ફોન દ્વારા જાણ કરતા તેમના પિતા બાવા મંગુ નાયકાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ઝેર જિલ્લા પંચાયત બેઠકના આપના સભ્ય રાજેશ વિરસિંગ રાઠવા ડ્રાઈવર સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. રાજેશે શ્રીકુંજકુમારને ધમકાવતા કહ્યું કે, "તું બહુ મોટો નેતા થઈ ગયો છે? પાર્ટી મારી વાત માનતી નથી કે મને ગણતી નથી, એટલે જ આવા બનાવો બને છે." ત્યારબાદ શ્રીકુંજકુમારના પિતાને પણ ધમકી આપીને રાજેશે અચાનક શ્રીકુંજકુમાર પર હુમલો કરી ઝપાઝપી શરૂ કરી હતી અને બૂમો પાડીને અન્ય લોકોને બોલાવ્યા હતા. મામલો શાંત પડ્યા બાદ શ્રીકુંજકુમાર તેમના પિતા સાથે ગાડીમાં ઘરે જવા નીકળ્યા ત્યારે રાજેશ સાથે આવેલા કસારા ગામના અનિલ નામના શખ્સે ઉગ્ર થઈને શ્રીકુંજકુમારના પિતાની ફેટ (કોલર) પકડી ગાડીમાંથી ઉતારી દીધા હતા. જોકે, કોઈ પણ વિવાદ વગર તેઓ ચાલતા નીકળી ગયા હતા અને આપના નેતા વિનુને ફોન કરીને બોલાવ્યા હતા. વિનુએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસ કાર્યવાહી તાલુકા પ્રમુખ તરીકે શ્રીકુંજકુમારની નિમણૂક રાજેશ રાઠવાને પસંદ ન હોવાથી અને પ્રમુખપદની ટિકિટ પોતાના માણસને ન મળવાની અદાવતમાં આ આખું જીવલેણ કાવતરું રચવામાં આવ્યું હતું. આ મામલે શ્રીકુંજકુમાર રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આપના જિલ્લા પંચાયત સભ્ય રાજેશ વિરસિંગ રાઠવા અને અનિલ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →