સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોડેલી ભાજપમાં ભડકો:ટિકિટ ન મળતા પૂર્વ APMC ચેરમેન હેમરાજસિંહ મહારાઉલે અપક્ષ ઉમેદવારી નોંધાવી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર ભાજપ દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ APMC ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પતિ હેમરાજસિંહ મહારાઉલે પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 20 વર્ષથી ભાજપમાં સક્રિય એવા નેતાએ પક્ષના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરતા રાજકારણ તેજ બન્યું છે. 20 વર્ષની વફાદારી સામે અવગણનાનો આક્ષેપ
હેમરાજસિંહ મહારાઉલ બોડેલી અને સંખેડા APMCના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી ભાજપમાં પાયાના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે, છતાં કેટલાક કહેવાતા નેતાઓ દ્વારા તેમને લાંબા સમયથી સાઈડલાઈન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાણેજ બેઠક પરથી તેમને ટિકિટની મજબૂત અપેક્ષા હતી, પરંતુ પાર્ટીએ તેમની અવગણના કરીને એવા વ્યક્તિને ટિકિટ આપી છે જે પક્ષમાં સક્રિય પણ નથી. 'કોંગ્રેસ મુક્ત ભારત'ના સૂત્ર પર કટાક્ષ
મહારાઉલે ભાજપના વર્તમાન સ્થાનિક સંગઠન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, છોટા ઉદેપુર જિલ્લામાં હવે 'કોંગ્રેસ મુક્ત ભારત'ને બદલે 'કોંગ્રેસ યુક્ત ભાજપ' જોવા મળી રહ્યું છે. બહારથી આવેલા કોંગ્રેસના નેતાઓ હવે ભાજપમાં ટિકિટની વહેંચણી કરી રહ્યા છે. જેમને ટિકિટ મળી છે તેમણે ક્યારેય ભાજપનો ખેસ પણ પહેર્યો નથી કે કોઈ મીટિંગમાં હાજરી આપી નથી. ગદ્દારોની ફોજ પક્ષ ચલાવી રહી હોવાનો દાવો
તેમણે ઉમેર્યું હતું કે પક્ષમાં હાલ ગદ્દારોની ફોજ ભેગી થઈ છે અને તેઓ જ તમામ સંચાલન કરી રહ્યા છે. માત્ર પાણેજ બેઠક જ નહીં, પરંતુ બોડેલી નગરપાલિકામાં પણ બિન-સક્રિય લોકોને ટિકિટ આપવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો. પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા મહારાઉલે જણાવ્યું હતું કે તેમને વિસ્તારની જનતા પર પૂર્ણ ભરોસો છે અને આગામી 28 તારીખે પરિણામો આવ્યા બાદ તેઓ તમામ પ્રશ્નોના જડબાતોડ જવાબ આપશે.
Read Original Article →