ગઢડામાં ખાનગી બસ પલટતાં 15 ઈજાગ્રસ્ત:સુરતથી બાબરા જતી હતી બસ; ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ખાળિયામાં ઉતરી
બોટાદ: બોટાદ જિલ્લાના ગઢડા નજીક આવેલા બોટાદ રોડ પર આજે એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતથી મુસાફરોને લઈને બાબરા જઈ રહેલી 'ગોપીનાથજી દર્શન' નામની લક્ઝરી બસને નડેલા આ અકસ્માતમાં 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ચાલકે કાબૂ ગુમાવતા બસ ખાળિયામાં ખાબકી
આ અકસ્માતની ઘટના ગઢડામાં રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક બની હતી. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, બસ પૂરઝડપે જઈ રહી હતી તે દરમિયાન ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના પરિણામે બસ માર્ગ પરથી નીચે ઉતરીને બાજુમાં આવેલા ખાળિયામાં પલટી મારી ગઈ હતી. બસ પલટતા જ મુસાફરોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી.
108ની ટીમ દ્વારા ત્વરિત બચાવ કામગીરી
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી મોટાભાગના મુસાફરો ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ
ઘટનાની ગંભીરતાને જોતા ગઢડા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત બસને કારણે ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરી અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો
લીમખેડા પાસે લક્ઝરી બસ પલટી:ઉજ્જૈનથી પરત ગોધરા જતી બસનો અકસ્માત થતા 20 લોકો ઈજાગ્રસ્ત; મુસાફરે કહ્યું, ડ્રાઈવરે દારૂ પીધો હતો
ગત 8 મેએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લીમખેડાના પ્રતાપપુરા કોલીયારી પાસે એક ખાનગી લક્ઝરી બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.(સંપૂર્ણ અહેવાલ વાંચો)
Read Original Article →