વહીવટી તંત્ર સજ્જ:બોટાદ કલેકટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક

Gujarat5/17/2026, 12:00:00 AM
વહીવટી તંત્ર સજ્જ:બોટાદ કલેકટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક
બોટાદના નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાએ ૨૪ કલાક (રાઉન્ડ ધી ક્લોક) કંટ્રોલરૂમ કાર્યરત રાખવા તેમજ શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાવાળા વિસ્તારોમાં તાકીદે કામગીરી કરવા જણાવાયું હતું. આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા, ક્લોરિનેશન, ગટર-કેનાલની સફાઈ અને સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ભારે વરસાદ કે વાવાઝોડા સમયે જાનમાલનું નુકસાન અટકાવવા માટે ડેમ, નદી, તળાવ અને કોઝવે જેવા ઓવરટોપિંગ થતા જોખમી વિસ્તારોમાં ચેતવણીના સાઇનબોર્ડ મૂકવા સૂચના અપાઈ હતી. પવનથી હોર્ડિંગ્સ પડી ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા, જર્જરિત મકાનોનો સર્વે કરવા અને આશ્રયસ્થાનો તરીકે શાળાઓની યાદી તૈયાર કરવા વહીવટી તંત્રને આદેશ અપાયા છે. વધુમાં, જિલ્લાના ડેમોનું પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શન કરવા, રસ્તા પર પડેલા વૃક્ષો ઝડપથી હટાવવા, ફાયર અને રેસ્ક્યુ ટીમોને સજ્જ રાખવા તેમજ સિવિલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વીજળી, ઈમરજન્સી સેવાઓ અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા જણાવાયું હતું. પૂર કે વાવાઝોડાની સ્થિતિમાં લોકોનું સમયસર સ્થળાંતર કરી દુર્ઘટનાઓ નિવારી શકાય તેવું સુદ્રઢ આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →