નિંગાળાની કેરી નદી 10 વર્ષથી સાફ નથી:ગ્રામ રક્ષક પાળો નબળો પડતા ચોમાસા પૂર્વે સફાઈની માંગ

Gujarat5/13/2026, 10:23:26 AM
નિંગાળાની કેરી નદી 10 વર્ષથી સાફ નથી:ગ્રામ રક્ષક પાળો નબળો પડતા ચોમાસા પૂર્વે સફાઈની માંગ
ગઢડા તાલુકાના નિંગાળા ગામમાંથી પસાર થતી કેરી નદી છેલ્લા દસ વર્ષથી સફાઈના અભાવે બિસ્માર હાલતમાં છે. નદીના પટમાં ઝાડી-ઝાંખરા અને બાવળનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, જેના કારણે નદીનું કુદરતી વહેણ અવરોધાઈ રહ્યું છે. ગ્રામજનો ચોમાસા પૂર્વે તાત્કાલિક નદીની સફાઈ અને ગ્રામ રક્ષક પાળાના સમારકામની માંગ કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નદી કિનારે આવેલો ગ્રામ રક્ષક પાળો પણ દિનપ્રતિદિન નબળો પડી રહ્યો છે. આ સ્થિતિને કારણે આગામી ચોમાસામાં નદીનું પાણી ગામમાં પ્રવેશી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ આ મામલે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો તાત્કાલિક સફાઈ અને સમારકામ નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. નિંગાળા ગામના સ્થાનિક આગેવાન રાજેન્દ્રસિંહ વાળાએ આ અંગે માહિતી આપી હતી. આ અંગે ગઢડા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મનીષભાઈ ગુજરાતીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, "અમને રજૂઆત મળી છે. અમે બે દિવસમાં સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું."
Read Original Article →