યુવક પર ક્રિકેટ બેટથી જીવલેણ હુમલો:બોટાદના લાઠીદડ ગામમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા મામલો બિચક્યો, માથામાં ટાંકા લેવા પડ્યાં

Gujarat5/27/2026, 7:20:40 AM
યુવક પર ક્રિકેટ બેટથી જીવલેણ હુમલો:બોટાદના લાઠીદડ ગામમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા મામલો બિચક્યો, માથામાં ટાંકા લેવા પડ્યાં
બોટાદના લાઠીદડ ગામમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા એક યુવક પર ક્રિકેટ બેટ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હિંસક હુમલામાં હર્ષદ રમણીક ચૌહાણ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાણાંની લેતીદેતીમાં પડોશીએ કર્યો હુમલો મળતી માહિતી મુજબ, હર્ષદ ચૌહાણ પોતાની રસ-ગોળાની દુકાને હાજર હતો, ત્યારે તેના પડોશમાં રહેતા કિશોર ખીમજી ખંભાળીયાએ તેની પાસે આવી ઉછીના પૈસાની માંગણી કરી હતી. હર્ષદે પૈસા આપવાનો સાફ ઈનકાર કરી દેતા કિશોર ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ સાંજના સમયે કિશોર ક્રિકેટ બેટ લઈને ફરી દુકાને આવ્યો હતો અને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ, ટાંકા આવ્યા વાત આટલેથી ન અટકતા, આરોપી કિશોરે હર્ષદને દુકાનમાંથી બહાર ખેંચી કાઢ્યો હતો અને બેટ વડે આડેધડ ફટકારવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં હર્ષદને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેને માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. ઈજાગ્રસ્તની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વધુ મારામારી થતી અટકાવી હતી. ઘટનાસ્થળેથી ભાગતી વખતે આરોપીએ હર્ષદને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ભોગ બનનાર દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી કિશોર ખંભાળીયા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ જી.પી. એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
Read Original Article →