લૂથી બચવા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જાહેર‎:બોટાદ કલેક્ટરાલય ખાતે હીટવેવથી બચવા અને સંચારી રોગ નિયંત્રણ અંગે સમીક્ષા બેઠક

Gujarat5/17/2026, 12:00:00 AM
બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને હીટવેવ, પ્રિ-મોન્સુન અને સંચારી રોગોના નિયંત્રણ અંગે જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાળઝાળ ગરમીને ધ્યાને લઈ બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને મજૂરોને વિશેષ કાળજી રાખવા અપીલ કરાઈ હતી. લૂ લાગવાના લક્ષણો (જેમ કે અતિશય તરસ, ચક્કર, ઉલટી) જણાય તો તાત્કાલિક દર્દીને છાંયડામાં બેસાડી ભીના કપડાં મૂકવા અને ગંભીર સ્થિતિમાં 108ની મદદ લેવા જણાવાયું હતું. ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે જિલ્લામાં 24X7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે અને રોગચાળાને પહોંચી વળવા 'રેપિડ રિસ્પોન્સ ટીમ' તૈનાત કરાશે. આગામી જૂન માસને મેલેરિયા વિરોધી અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવી મચ્છર ઉત્પત્તિ નિયંત્રણ અને જનજાગૃતિની સઘન ઝુંબેશ ચલાવાશે. વહીવટી તંત્ર દ્વારા એન્ટી એપિડેમિક દવાઓ અને ક્લોરીન પાઉડરનો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ પાણી-ગટર લાઇનના લીકેજ તાત્કાલિક રીપેર કરી લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા કડક સૂચના આપવામાં આવી છે. ગરમીથી સુરક્ષિત રહેવા નિવાસી અધિક કલેકટરની અપીલ નાગરિકોએ લૂ (સનસ્ટ્રોક) થી બચવા પાણી પીવું, તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન વારંવાર પાણી, છાશ, લીંબુ પાણી, ઓ.આર.એસ (ORS) અથવા નારિયેળ પાણી જેવા પ્રવાહી લેતા રહેવું જોઈએ. ઉનાળામાં હળવા રંગના, ખુલતા અને સુતરાઉ કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે માથું ઢાંકી રાખવું જોઈએ. અથવા છત્રી/ટોપીનો ઉપયોગ કરવો જોઈએ. નાગરિકોએ બપોરના 12-00 થી 4-00 વાગ્યાના સમય ગાળા માં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું તથા કામકાજ શક્ય હોય તો વહેલી સવારે અથવા સાંજના ઠંડા સમયે પતાવવા જોઈએ. હળવો અને તાજો ખોરાક લેવો, લાંબો સમય ખુલ્લામાં રહેલા ખોરાકનો ત્યાગ કરવો. ઉનાળામાં લૂ લાગવાના લક્ષણો ખૂબ તરસ લાગવી, માથામાં દુખાવો, ચક્કર આવવા, ઉબકા કે ઉલટી થવી, સ્નાયુઓમાં દુ:ખાવો અથવા શરીરનું તાપમાન વધી જવું એ લૂ લાગવાના લક્ષણો તરીકે ઓળખાય છે.
Read Original Article →