ગઢડામાં ખેડૂતોને ડીઝલની અછત:કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી
ગઢડા તાલુકામાં ખેડૂતોને ડીઝલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, તાલુકાના અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ પૂરતા પ્રમાણમાં મળતું નથી, જ્યારે કેટલાક પંપ પર ડીઝલનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. હાલ ખેતીકામની મોસમ શરૂ થઈ ગઈ હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર સહિતના કૃષિ સાધનો ચલાવવા માટે ડીઝલની તાત્કાલિક જરૂરિયાત છે. ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના આગેવાન સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું કે, આનાથી ખેતીકામ પર સીધી અસર પડી રહી છે અને સમયસર વાવણી તેમજ અન્ય કૃષિ કામગીરીમાં વિલંબ થવાનો ભય છે. આથી, કોંગ્રેસે તાત્કાલિક અસરથી તમામ પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી હતી. આવેદનપત્ર આપતી વેળાએ સુખદેવસિંહ ગોહિલ, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ, વિપક્ષ નેતા મીત ડાંગર, અજય ઝાલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →