ગઢડામાં નાળામાં સ્લેબમાં ખાડો પડતાં સળિયા દેખાઈ ગયા:અત્યંત વ્યસ્ત નાળા પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભય, તાત્કાલિક સમારકામની માંગ

Gujarat5/26/2026, 9:41:53 AM
ગઢડામાં નાળામાં સ્લેબમાં ખાડો પડતાં સળિયા દેખાઈ ગયા:અત્યંત વ્યસ્ત નાળા પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભય, તાત્કાલિક સમારકામની માંગ
બોટાદ જિલ્લાના ગઢડામાં ઘેલો નદી રિવરફ્રન્ટ નજીક આવેલા નાળામાં મોટો ખાડો પડતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. આ નાળું રાજકોટ, જસદણ, માંડવધાર, કેરાળા, રામપરા, વાવડી, રોજમાળ અને ભડલી સહિતના અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. ખોડિયાર મંદિર પાસે આવેલું આ નાળું અત્યંત વ્યસ્ત રહે છે, જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. ખાડાને કારણે અહીં અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે. સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનો દ્વારા આ ખાડાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર ડી. જી. પ્રજાપતિએ જણાવ્યું કે, આ ઘટના તેમના ધ્યાન પર આવતા જ નાળાની આસપાસ બેરીકેટ મૂકી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સ્થળે નવા નાળાના નિર્માણનું કામ મંજૂર થઈ ચૂક્યું છે અને તેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. હાલમાં કોઈ અણબનાવ ન બને તે માટે તાત્કાલિક અસરથી સીસી (સિમેન્ટ કોંક્રીટ) કરીને ખાડો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
Read Original Article →