પર્યાવરણને ભારે નુકસાન‎:કડી-દેત્રોજ નર્મદા કેનાલ પર ઘટાદાર વૃક્ષો સળગાવી દેતાં પર્યાવરણપ્રેમીઓમાં રોષ

Gujarat5/13/2026, 12:00:00 AM
પર્યાવરણને ભારે નુકસાન‎:કડી-દેત્રોજ નર્મદા કેનાલ પર ઘટાદાર વૃક્ષો સળગાવી દેતાં પર્યાવરણપ્રેમીઓમાં રોષ
સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કડી, બહુચરાજી અને દેત્રોજ તરફ જતી મુખ્ય કેનાલ હાલમાં પર્યાવરણીય અને વહીવટી ઉપેક્ષાનો ભોગ બની રહી છે. કડી, જોટાણા અને દેત્રોજ એમ ત્રણ તાલુકા તથા કડી અને વિરમગામ એમ બે વિધાનસભા ક્ષેત્રમાં ફેલાયેલી આ કેનાલ પર સરહદના વિવાદનો લાભ ઉઠાવી કેટલાક ભૂમાફિયાઓ સક્રિય થયા હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. ભીષણ ગરમીની આડમાં કેનાલ કાંઠે આવેલા ઘટાદાર વૃક્ષોને જાણી જોઈને સળગાવવામાં આવી રહ્યા છે, જેના કારણે પક્ષીઓના આવાસ નાશ પામ્યા છે અને પર્યાવરણને કાયમી નુકસાન થઈ રહ્યું છે. આ વિસ્તાર મહેસાણા અને અમદાવાદ એમ બે જિલ્લાની સરહદે હોવાથી, સરહદના વિવાદમાં અધિકારીઓ ઉદાસીનતા સેવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કાર્યવાહી થાય તે અનિવાર્ય છે. વિસ્તારના જાગૃત નાગરિકો અને પ્રકૃતિ પ્રેમીઓ નિર્ણાયક પગલાની અપેક્ષા રાખી રહ્યા છે કે, કેનાલ કાંઠે થતા વૃક્ષોના નિકંદનને યુદ્ધના ધોરણે અટકાવી પેટ્રોલિંગ વધારવામાં આવે તથા અનધિકૃત ખનન અને ગેરકાયદે બાંધકામોની તપાસ કરી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તથા બંને જિલ્લાના વહીવટી તંત્ર અને વન વિભાગ વચ્ચે સંકલન સાધી લોક પ્રતિનિધિઓ દ્વારા આ અમૂલ્ય સરકારી સંપત્તિનું જતન કરવામાં આવે. આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમીઓ અને જાગૃત નાગરિકોની માગ છે કે, વિકાસના નામે વિનાશ વેરતા તત્વો સામે તંત્ર સત્વરે જાગૃત થઈ કડક પગલાં ભરે તેવી તેવી જાગૃત લોકો દ્વારા માગ કરવામાં આવી છે.
Read Original Article →