બોટાદ યુવક હત્યા કરનાર બે આરોપી પકડાયા:અળવ ગામના પિતા-પુત્રની ધરપકડ, અન્ય બે ફરાર
બોટાદના યુવક હર્ષ ચૌહાણની હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. રાણપુરના અળવ ગામના વલ્લભ શીવા જાદવ અને તેમના પુત્ર પારસ શીવા જાદવને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ, કાનીયાડ ગામના પરેશ ભરત ચૌહાણ અને ભરત મોહન ચૌહાણ, હજુ ફરાર છે. ગત 5 જૂનની રાત્રિના સમયે બોટાદના ખોડિયારનગરમાં રહેતા હર્ષ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસ મુજબ, મૃતક હર્ષ ચૌહાણને અળવ ગામની એક પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીના પિયર પક્ષ અને સાસરી પક્ષના સભ્યોએ હર્ષ ચૌહાણ પર અળવ ગામ નજીક તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ યુવકને ખાળિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર હાલતમાં હર્ષને સારવાર માટે પ્રથમ બોટાદ અને ત્યારબાદ ભાવનગર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક હર્ષના ભાઈ કરણ ચૌહાણે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના અંગે બોટાદના Dysp મહર્ષિ રાવલે માહિતી આપી હતી.
Read Original Article →