બોટાદમાં મહિલાએ ઈકોમાં બેસવાની ના પાડતાં માર માર્યો:ચાલકે જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ નોંધાઈ

Gujarat5/12/2026, 8:26:25 AM
બોટાદમાં મહિલાએ ઈકોમાં બેસવાની ના પાડતાં માર માર્યો:ચાલકે જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ નોંધાઈ
બોટાદ શહેરના સરકારી હાઈસ્કૂલ પાસે આવેલા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલાને ઈકો ગાડીમાં બેસવાની ના પાડતા ચાલકે માર માર્યો હતો. આ ઉપરાંત, ચાલકે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે મહિલાએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બોટાદમાં રહેતા લવિંગાબેન રમેશભાઈ નગવાડિયા રોજિંદી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સોમવારે સવારે તેઓ બેલા ગામે ગરમ મસાલો વેચવા જવા માટે બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી. બસની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે ગૌતમભાઈ નામનો ઈકો ચાલક ત્યાં આવ્યો અને મહિલાને પોતાની ઈકોમાં બરવાળા તરફ આવવા કહ્યું. મહિલાએ એસ.ટી. બસમાં જવાનું કહી ઈકોમાં બેસવાની ના પાડી. આથી ઈકો ચાલક ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલવા લાગ્યો. મહિલાએ વિરોધ કરતા આરોપીએ તેમના ડાબા ગાલ પર બે-ત્રણ થપ્પડ મારી ધક્કો મારી નીચે પાડી દીધા. આસપાસના લોકો ભેગા થઈ જતા મહિલાને વધુ મારથી બચાવી લેવાઈ હતી. ઈકો ચાલકે ત્યાંથી જતા સમયે મહિલાને ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે. ધક્કો લાગવાથી મહિલાના જમણા પગમાં અગાઉ કરાવેલા ઓપરેશનના ભાગે દુખાવો ઉપડ્યો. તેઓ સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં રિફર કર્યા. બોટાદ પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →