બોટાદ વોર્ડ 8: રસ્તાની ખરાબ હાલતથી સ્થાનિકો પરેશાન:ચાર વર્ષથી બિસ્માર માર્ગ, તાત્કાલિક બનાવવા માંગણી

Gujarat5/12/2026, 9:47:20 AM
બોટાદ વોર્ડ 8: રસ્તાની ખરાબ હાલતથી સ્થાનિકો પરેશાન:ચાર વર્ષથી બિસ્માર માર્ગ, તાત્કાલિક બનાવવા માંગણી
બોટાદ શહેરના વોર્ડ નંબર 8 માં રસ્તાની ખરાબ હાલતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પકા શેઠની વાડી વિસ્તારથી તુલસી નગર સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ શહેર તરફ અવરજવર કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષથી આ રસ્તો ખરાબ છે અને વરસાદી સિઝનમાં અહીં પાણી ભરાઈ જવાને કારણે અવરજવર મુશ્કેલ બને છે. રસ્તા પર ગંદુ પાણી ભરાતા અકસ્માતનો ભય પણ સતત રહે છે. આ રસ્તો મારુતિ નગર, પકા શેઠની વાડી, તુલસી નગર, મહાદેવ નગર, રામદેવ નગર અને મોહન નગર જેવા વિસ્તારોને શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ છે. સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે, છતાં હજુ સુધી રસ્તાની મરામત કે નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી. આ વિસ્તારના નગરપાલિકાના સદસ્ય રવજીભાઈ વાટુકિયાએ જણાવ્યું હતું કે, પકા શેઠની વાડી વિસ્તારથી તુલસીનગર સુધીનો રસ્તો છેલ્લા ચારેક વર્ષથી ખરાબ છે. આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને 2026-27ની ગ્રાન્ટમાં આ રસ્તાનો સમાવેશ કરીને વહેલામાં વહેલી તકે આ સમસ્યા હલ થશે. જો રસ્તાની કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બોટાદ શહેરના વોર્ડ નંબર 8 માં પકા શેઠની વાડીથી તુલસી નગર સુધીનો આ મુખ્ય માર્ગ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હોવાથી સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે.
Read Original Article →