બોટાદમાં તુરખા રોડનું કામ એક મહિનાથી બંધ:સ્થાનિકોને હાલાકી, ચોમાસા પહેલાં પૂર્ણ કરવા માંગ
બોટાદ શહેરમાં તુરખા રોડથી ગગજી ઝૂંપડી વિસ્તાર સુધીના રોડનું નિર્માણ કાર્ય છેલ્લા એક મહિનાથી અધવચ્ચે અટકી ગયું છે. આના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પહેલાં રોડનું કામ પૂર્ણ કરવાની માંગ સાથે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આશરે એક મહિના પૂર્વે તંત્ર દ્વારા આ વિસ્તારમાં નવા રોડ બનાવવા માટે ખોદકામ શરૂ કરાયું હતું. સ્થાનિકોને પાકા રોડની સુવિધા મળવાની આશા હતી, પરંતુ અગમ્ય કારણોસર કામગીરી અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી છે. હાલ આ રોડ બિસ્માર હાલતમાં છે. ઠેર-ઠેર મોટા ખાડાઓ અને પથ્થરોને કારણે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. ધૂળની ડમરીઓ ઉડવાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી રહી છે. ચોમાસાની શરૂઆત નજીક હોવાથી સ્થાનિકોની ચિંતા વધી છે. આ વિસ્તારના રહીશ પરેશભાઈ શેખે જણાવ્યું કે, રોડ પરના ખાડાઓને કારણે દરરોજ વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, જો ચોમાસા પહેલાં રોડનું સમારકામ નહીં થાય, તો વરસાદમાં ખાડાઓમાં પાણી ભરાઈ જશે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. ગગજી ઝૂંપડી અને તુરખા રોડ વિસ્તારના રહીશો અધૂરી કામગીરીથી મુશ્કેલીમાં છે. તેઓ ચોમાસા પહેલાં યુદ્ધના ધોરણે રોડનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. જો તંત્ર દ્વારા આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તુરખા રોડથી ગગજી ઝૂંપડી વિસ્તારમાં રોડની અધૂરી કામગીરી અંગે નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ ખસિયાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો નંબર સ્વિચ ઓફ આવતા સંપર્ક થઈ શક્યો નહોતો. તંત્ર દ્વારા આ મામલે ક્યારે અને કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
Read Original Article →