બેકાબૂ થયેલું ડમ્પર વીજ પોલ સાથે અથડાયું:પાર્ક કરેલી 10થી વધુ બાઈકને નુકસાન, બોટાદના તુરખા રોડ પર અકસ્માત
બોટાદ શહેરના તુરખા રોડ પર આજે બપોરે એક ડમ્પર બેકાબૂ બનતાં વીજ પોલ સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં વીજ પોલ ધરાશાયી થયો હતો અને નજીકમાં પાર્ક કરેલી 10થી વધુ બાઈકને નુકસાન થયું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રોડના ખોદકામ દરમિયાન માટી ભરીને પસાર થઈ રહેલું આ ડમ્પર અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું હતું. ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે વીજ પોલ તૂટીને નીચે પડ્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વીજ પોલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા છે. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →