PM મોદીની અપીલ બાદ બોટાદ SPની પહેલ:નાગરિકો હવે પોલીસ કચેરીએ રૂબરૂ જવાને બદલે ફોન પર રજૂઆત કરી શકશે, વીડિયો કોલ પણ કરી શકાશે

Gujarat5/15/2026, 7:38:10 AM
PM મોદીની અપીલ બાદ બોટાદ SPની પહેલ:નાગરિકો હવે પોલીસ કચેરીએ રૂબરૂ જવાને બદલે ફોન પર રજૂઆત કરી શકશે, વીડિયો કોલ પણ કરી શકાશે
દેશમાં પેટ્રોલ અને ડીઝલના બિનજરૂરી વપરાશને ઘટાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા (SP) ધર્મેન્દ્ર શર્માએ નાગરિકોને પોતાની ફરિયાદો કે રજૂઆતો માટે પોલીસ કચેરીએ રૂબરૂ આવવાને બદલે ટેલિફોનિક સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. વીડિયો કોલિંગ દ્વારા થશે સુનાવણી જિલ્લા પોલીસ દ્વારા આ હેતુ માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર 02849-271504 જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકો આ નંબર પર સંપર્ક કરીને પોતાની સમસ્યા જણાવી શકશે. ખાસ વાત એ છે કે, આ નંબર પર ફોન કર્યા બાદ એસપી ધર્મેન્દ્ર શર્મા પોતે વીડિયો કોલિંગના માધ્યમથી અરજદારોની રજૂઆત સાંભળશે અને તેના પર ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. પહેલના મુખ્ય ઉદ્દેશ્યો ઇંધણની બચત: વાહનો લઈને પોલીસ કચેરી સુધી આવતા નાગરિકોના પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં ઘટાડો થશે. સમયનો સદુપયોગ: દૂરના અંતરેથી આવતા લોકોનો સમય બચશે અને ઘરે બેઠા જ રજૂઆત કરી શકાશે. ઝડપી નિકાલ: ટેકનોલોજીના ઉપયોગથી ફરિયાદોનું નિવારણ વહેલી તકે શક્ય બનશે. બોટાદ એસપીએ જણાવ્યું હતું કે, આ ડિજિટલ અભિગમથી સામાન્ય જનતાને સુવિધા મળવાની સાથે પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણમાં પણ મોટું યોગદાન મળશે. જિલ્લા પોલીસની આ પહેલની હાલ સમગ્ર રાજ્યમાં પ્રશંસા થઈ રહી છે.
Read Original Article →