બોટાદની બાપા સીતારામ સોસાયટીમાં 7 વર્ષથી પાણીની અછત:રહીશો વેચાતું પાણી ખરીદવા મજબૂર, તાત્કાલિક સુવિધાની માંગ
બોટાદ શહેરના ઢાંકણીયા રોડ પર આવેલી બાપા સીતારામ સોસાયટીના આશરે 600 જેટલા રહીશો છેલ્લા સાત વર્ષથી પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારના લોકો રોડ, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વોર્ડ નંબર 8 માં આવેલી આ સોસાયટીમાં 250થી વધુ મકાનો આવેલા છે. રહીશોના જણાવ્યા અનુસાર, સાત વર્ષથી વસવાટ કરવા છતાં અહીં આરોગ્ય કે બાળકો માટે આંગણવાડી સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે લોકોને વેચાતું પાણી મંગાવવાની ફરજ પડે છે. સ્થાનિકો દર મહિને ₹400 થી ₹500ના ભાવે પાણીનું ટેન્કર મંગાવે છે. સામાન્ય મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારોને મહિનામાં બે થી ચાર ટેન્કર પાણી મંગાવવું પડે છે, જે તેમની ઓછી આવક પર મોટો આર્થિક બોજ ઊભો કરે છે. આશરે દોઢ વર્ષ પહેલા પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં તેમાં હજુ સુધી પાણી આવ્યું નથી. આ વિસ્તારના રહીશો દ્વારા અધિકારીઓ અને રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોમાં પ્રાથમિક સુવિધાઓ ન મળવાને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ચૂંટણી સમયે જ આવતા રાજકીય નેતાઓ પ્રત્યે નારાજગી છે. રહીશોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રોડ, રસ્તા અને પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જો આગામી દિવસોમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Read Original Article →