બોટાદના નવા કલેક્ટર હર્ષદ વોરાએ પદભાર સંભાળ્યો:જૈન સંઘના ટ્રસ્ટીઓએ શુભેચ્છા મુલાકાત કરી, દર્શનનું આમંત્રણ આપ્યું
બોટાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે 2014 બેચના IAS અધિકારી હર્ષદ વોરાએ પદભાર સંભાળ્યો છે. તેમણે ચાર્જ સંભાળતા પૂર્વે યોગીનગર શેત્રુંજય જૈન દેરાસરના દર્શન કર્યા હતા. બોટાદ જિલ્લામાં લાંબા સમય બાદ જૈન કલેક્ટરની નિમણૂક થઈ છે. અગાઉ, 2019માં કોરોના મહામારી દરમિયાન જૈન કલેક્ટર વિશાલ ગુપ્તાએ બોટાદ જિલ્લામાં સેવા આપી હતી. આજે બોટાદના સમસ્ત જૈન સંઘના ટ્રસ્ટીઓ અને બોટાદ મહાજન પાંજરાપોળના કમિટી સભ્યોએ કલેક્ટર હર્ષદ વોરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી સ્થાકવાસી જૈન સંઘ અને પૂ. કાનજી સ્વામી પ્રેરિત શ્રી દિગમ્બર જૈન સંઘના અગ્રણીઓએ કલેક્ટરનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું. આ મુલાકાત દરમિયાન, જૈન અગ્રણીઓએ કલેક્ટરને આગામી દિવસોમાં દરેક જૈન દેરાસર અને જિનમંદિરના દર્શનાર્થે પધારવા તેમજ બોટાદ મહાજન પાંજરાપોળની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. કલેક્ટરે ટૂંક સમયમાં આ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લેવાની ખાતરી આપી.
Read Original Article →