બોટાદ: 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા, વર્લ્ડ રેકોર્ડ:નવહથ્થા હનુમાનજી મંદિરે શનિ જયંતીએ ગોલ્ડન વર્લ્ડ બુકમાં નોંધ
બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં આવેલા પાંડવકાલીન નવહથ્થા હનુમાનજી મંદિરે શનિ જયંતીના પાવન પર્વે 42 દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ. આ ધાર્મિક પ્રસંગની ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી હતી અને મંદિર ટ્રસ્ટને સન્માનપત્ર અપાયું હતું. આ પૌરાણિક ધર્મસ્થળનું સંચાલન મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતી બાપુ દ્વારા થાય છે. આ મહોત્સવમાં ચાર યુગના ચાર ગણપતિજી, 27 નક્ષત્રોની મૂર્તિઓ અને 9 ગ્રહોની મૂર્તિઓ સહિત કુલ 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. સમગ્ર વિધિ દરમિયાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય હનુમાનના જયઘોષોથી ગુંજી ઉઠ્યું હતું. ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના નેશનલ હેડ આલોક કુમારે આ આયોજનને ઐતિહાસિક ગણાવી તેની સત્તાવાર નોંધ લીધી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટને રેકોર્ડ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું. મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતિજીએ જણાવ્યું કે, બોટાદ જિલ્લામાં આ પ્રકારનું નવગ્રહ શાંતિ મંદિર પ્રથમવાર નિર્માણ પામ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી સમયમાં આ ધર્મસ્થળ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પાંડવકાલીન સ્થળ સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. નાનાજી પેશવા, સ્વામી વિવેકાનંદ અને ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવોએ અહીં વિવિધ સમયગાળામાં આશ્રય લીધો હોવાનું કહેવાય છે. આ ધર્મસ્થળનું એક વિશેષ આધ્યાત્મિક મહત્વ એ પણ છે કે અહીં ઉતાવળી, મધુ અને મહીં નદીઓનો પવિત્ર સંગમ થાય છે. લોકવાયકા મુજબ, આ સ્થળે હનુમાનજી મહારાજ અને શનિ મહારાજ વચ્ચે યુદ્ધ થયું હતું, જેના કારણે અહીં શનિદેવની વિશેષ આરાધના અને પ્રાણ પ્રતિષ્ઠાનું મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી આત્માનંદ સરસ્વતિજી મહારાજ, શ્રી માધવ સ્વામી, મહાસુખાનંદ મહંતશ્રી, મહંત શ્રી જમનાદાસ બાપુ સહિત અનેક સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, રાજકીય, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તજનો પણ હાજર રહી આ દિવ્ય પ્રસંગના સાક્ષી બન્યા હતા.
Read Original Article →