બોટાદ નગરપાલિકા ચૂંટણી: ભાજપે 30 જેટલા કાર્યકરોને ફોન કર્યા:ઉમેદવારી પત્ર ભરવા સૂચના, સત્તાવાર યાદી જાહેર નથી
બોટાદ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને આંતરિક હલચલ જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ કાર્યાલય દ્વારા આશરે 25 થી 30 જેટલા કાર્યકરોને ફોન કરીને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા સૂચના અપાઈ છે. આ કાર્યકરોમાં હરેશભાઈ ધાંધલ, રવજીભાઈ વાટુકિયા, નિતીન સુતરીયા, નિકાબા પરમાર, દિનેશ દલસાણીયા, રાજેશ માથુકિયા, કમા મીર, ગીતાબેન ગોલાણી, હેમાનગીબેન રંગાણી અને વનરાજ રાઘવાણીનો સમાવેશ થાય છે. તેમને આગામી દિવસમાં ફોર્મ ભરવા જણાવાયું છે. બોટાદ નગરપાલિકામાં 11 વોર્ડ અને કુલ 44 બેઠકો છે. તેમાંથી લગભગ ૩૦ જેટલા કાર્યકરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ફોન મળ્યા બાદ કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ ઘટનાક્રમ વચ્ચે, વર્તમાન સભ્યોમાંથી કોને ફરી તક મળશે અને કોની ટિકિટ કપાશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં, ભાજપ દ્વારા હજુ સુધી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. હવે સૌની નજર ભાજપ દ્વારા સત્તાવાર યાદી ક્યારે જાહેર થાય છે અને કયા ઉમેદવારોને ટિકિટ મળે છે તેના પર રહેશે.
Read Original Article →