બોટાદનું બંધ શોપિંગ સેન્ટર વર્ષો પછી ધમધમશે:શાકમાર્કેટ વિસ્તારમાં નગરપાલિકાનું સફાઈ અભિયાન, કોમ્પ્લેક્સમાં કચરાના ઢગલા ખડકાતાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું
બોટાદ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી નગરપાલિકા દ્વારા શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા વર્ષોથી બંધ શોપિંગ સેન્ટરમાં વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી બિનઉપયોગી રહેલા આ વિશાળ કોમ્પ્લેક્સમાં કચરાના ઢગલા ખડકાવાને કારણે સમગ્ર વિસ્તાર ગંદકીનું કેન્દ્ર બન્યો હતો, જેનાથી સ્થાનિકો પરેશાન હતા. આ સફાઈ કામગીરીનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ અશ્વિન ખસિયા, ઉપપ્રમુખ છેલા મેર અને કારોબારી ચેરમેન નીતિન સુતરીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના અન્ય સભ્યોએ પણ સ્થળની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વેપારીઓ માટે નવી તકો ઊભી થશે
નગરપાલિકા પ્રમુખ અશ્વિન ખસિયાએ જણાવ્યું કે, શોપિંગ સેન્ટરમાં વર્ષોથી જમા થયેલા કચરાનો સંપૂર્ણ નિકાલ કરીને વિસ્તારને એકદમ સ્વચ્છ બનાવવામાં આવશે. સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ આ બંધ શોપિંગ સેન્ટરને ફરીથી શરૂ કરવામાં આવશે, જેથી સ્થાનિક વેપારીઓને રોજગારીની નવી તકો મળશે અને શહેરના વેપાર-ઉદ્યોગને વેગ મળશે. નગરપાલિકાના આ હકારાત્મક નિર્ણય અને સફાઈ ઝુંબેશને સ્થાનિક નાગરિકો તેમજ વેપારીઓ તરફથી વ્યાપક આવકાર મળ્યો છે. વર્ષોથી લટકતી પડેલી આ ગંભીર સમસ્યાનો આખરે કાયમી ઉકેલ આવશે તેવી આશા લોકોમાં બંધાઈ છે.
Read Original Article →