બોટાદમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ માટે બેઠક:નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા થઈ

Gujarat5/15/2026, 1:57:20 PM
બોટાદમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ માટે બેઠક:નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા થઈ
બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચોમાસા પૂર્વેની તૈયારીઓ સંદર્ભે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં ચોમાસા દરમિયાન લેવાનાર જરૂરી સાવચેતી અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પાણી ભરાવાની સમસ્યાવાળા વિસ્તારોમાં તાત્કાલિક કામગીરી કરવા અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે જરૂરી પગલાં લેવા સૂચના અપાઈ હતી. પીવાના પાણીની વ્યવસ્થા, ક્લોરીનેશન, ગટર કેનાલોની સફાઈ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ભારે વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા માટે ડેમ, તળાવ, નદી, સરોવર અને કોઝવે જેવા વિસ્તારોમાં ચેતવણીના સાઇનબોર્ડ લગાવવાની સૂચના અપાઈ હતી. મોટા હોર્ડિંગ્સની સુરક્ષા તપાસવા, જર્જરીત મકાનોનું સર્વેક્ષણ કરવા અને જરૂર પડ્યે તેમને ખાલી કરાવવાની તૈયારી રાખવા પણ જણાવાયું હતું. કટોકટીની સ્થિતિ માટે ફાયર અને રેસ્ક્યુ સાધનોની ચકાસણી, ડેમોનું પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન, વૃક્ષો પડવાની ઘટનાઓમાં રસ્તા ઝડપથી ક્લિયર કરવા અને આશ્રયસ્થાન તરીકે ઉપયોગી શાળાઓની યાદી તૈયાર કરવા જેવી બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ અપાઈ. સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવાઓ, દવાઓનો પૂરતો જથ્થો અને કંટ્રોલ રૂમ જેવી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. વધુ વરસાદ કે પૂર જેવી પરિસ્થિતિમાં લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે તમામ સંબંધિત વિભાગોને સજ્જ રહેવા પણ નિર્દેશ આપવામાં આવ્યા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →