બોટાદનો ‘મેઘાણી ગાર્ડન’ બિસ્માર હાલતમાં:રાષ્ટ્રીય શાયરની સ્મૃતિમાં બનેલાં બગીચામાં બાળકોના રમતગમતના સાધનો તૂટ્યાં, લોકોમાં ભારે નારાજગી

Gujarat6/5/2026, 10:59:09 AM
બોટાદનો ‘મેઘાણી ગાર્ડન’ બિસ્માર હાલતમાં:રાષ્ટ્રીય શાયરની સ્મૃતિમાં બનેલાં બગીચામાં બાળકોના રમતગમતના સાધનો તૂટ્યાં, લોકોમાં ભારે નારાજગી
બોટાદ શહેરના મધ્યભાગમાં આવેલું અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં નિર્માણ પામેલું ઐતિહાસિક ‘મેઘાણી ગાર્ડન’ હાલ તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. એક સમયે શહેરની શાન અને પરિવારો માટે મનોરંજનનું મુખ્ય કેન્દ્ર ગણાતો આ બગીચો આજે પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યો છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે નારાજગી વ્યાપી છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ શહેરના હૃદય સમાન આ ગાર્ડનમાં હાલ ચારેય તરફ ગંદકી અને સફાઈનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. મુલાકાતીઓ માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત, બગીચામાં બેસવા માટેના મોટાભાગના બાકડા તૂટી ગયા છે અથવા કાયમી ધોરણે બિસ્માર થઈ ગયા છે, જેના કારણે અહીં આવતા વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. રમતગમતના સાધનો ગાયબ બાળકોના મનોરંજન માટે રાખવામાં આવેલા હિંચકા અને લપસણી જેવા રમતગમતના સાધનો ક્યાં તો તૂટી ગયા છે અથવા સદંતર ગાયબ થઈ ગયા છે. વાલીઓના જણાવ્યા અનુસાર, બાળકો માટે કોઈ સુરક્ષિત પ્લે-એરિયા ન હોવાથી પરિવારો હવે અહીં આવવાનું ટાળી રહ્યા છે. ગાર્ડનની શોભા વધારતા ફુવારા લાંબા સમયથી બંધ પડ્યા છે અને યોગ્ય લાઇટિંગ ન હોવાને કારણે રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે, જેથી ગાર્ડનનું આકર્ષણ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. તંત્ર રિનોવેશન કરે તેવી માગ બોટાદના રહીશ પારસ ગાંધીએ ગાર્ડનની દુર્દશા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ગાર્ડન શહેરની ધરોહર છે. નગરપાલિકા દ્વારા મેઘાણી ગાર્ડનનું તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે તે જરૂરી છે. અહીં બાળકો માટે આધુનિક પ્લે-એરિયા, નવા બાકડા, ફુવારા, પૂરતી લાઇટિંગ અને પીવાના પાણી સહિતની આધુનિક સુવિધાઓ ફરી શરૂ કરવામાં આવે જેથી આ સ્થળ ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બની શકે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ ટૂંક સમયમાં યોગ્ય પગલાં ભરે, અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
Read Original Article →