બોટાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન બિનહરીફ ચૂંટાયા:પાયલબેન માથોળીયા પ્રમુખ, ભરતસિંહ ડોડીયા ઉપપ્રમુખ, ચંદુભાઈ ભાલીયા કારોબારી ચેરમેન
બોટાદ જિલ્લા પંચાયતમાં નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની તમામ 20 બેઠકો જીતી હતી. આ બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. કુલ 20 સભ્યોની ઉપસ્થિતિમાં ત્રણેય પદો પર સર્વાનુમતે નિમણૂક કરાઈ. પ્રમુખ તરીકે પાયલબેન માથોળીયા, ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડોડીયા અને કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલીયાની બિનહરીફ વરણી થઈ. નવનિયુક્ત પદાધિકારીઓએ પોતાના કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રભારી, આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ પાયલબેન માથોળીયાએ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે નામંજૂર થયેલા તેમજ તંત્ર દ્વારા સૂચવાયેલા કામોને પ્રાથમિકતા અપાશે અને અગાઉ મંજૂર થયેલા વિકાસ કાર્યોને પણ ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરાશે.
Read Original Article →