ગઢડાના ગોરડકા ગામે 20 વર્ષીય યુવકનું શોર્ટ લાગતા મોત:પરિવાર, સરપંચે PGVCL પર બેદરકારીનો આરોપ લગાવ્યો, વિભાગે તપાસ શરૂ કરી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે વીજ કરંટ લાગવાથી 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનો અને ગામના સરપંચે આ ઘટના માટે પીજીવીસીએલ (PGVCL) ની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. પાણીની મોટર શરૂ કરવા જતાં શોર્ટ લાગ્યો
મૃતક નરેશ મનીષભાઈ સોલંકી સવારે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. પરિવારજનો અને સરપંચના જણાવ્યા અનુસાર, બંધ સ્વીચમાં અચાનક પાવર આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. 15 દિવસ પહેલા ગઢડા પીજીવીસીએલ કચેરીમાં અરજી આપી હતી
ગામમાં રિટર્ન પાવરની સમસ્યા ઘણા સમયથી હતી. આ અંગે 15 દિવસ પહેલા ગઢડા પીજીવીસીએલ કચેરીમાં લેખિત અરજી પણ કરવામાં આવી હતી. ગામના સરપંચ રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અરજી કરવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નહોતો, જેના પરિણામે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. અરજીના આધારે જરૂરી કામગીરી કરવામાં આવી હતી : અધિકારી
બીજી તરફ, ગઢડા પીજીવીસીએલના નાયબ ઇજનેર જે. જે. પરમારે સ્પષ્ટતા કરી હતી કે રિટર્ન પાવર અંગે મળેલી અરજીના આધારે જરૂરી કામગીરી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, ઘટનાની જાણ થતા જ વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે. મૃતકના પરિવારજનોએ યુવકના મોત મામલે ન્યાયની માંગ કરી છે.
Read Original Article →