ગઢડા રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ જર્જરિત હાલતમાં:દર્દીઓને મુશ્કેલી, નવી ફાળવવા માગ; અધિક્ષક ડો.આદિત્ય પીડાપારથીએ કહ્યું- એમ્બ્યુલન્સ 15 વર્ષ જૂની
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની રેફરલ હોસ્પિટલની એકમાત્ર એમ્બ્યુલન્સ અત્યંત જર્જરિત હાલતમાં છે. 76 ગામ અને ગઢડા નગરપાલિકા વિસ્તારને સેવા આપતી આ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ખરાબ સ્થિતિને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક લોકો અને દર્દીઓના પરિવારજનો દ્વારા તાત્કાલિક નવી એમ્બ્યુલન્સ ફાળવવાની માગ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં કાર્યરત એમ્બ્યુલન્સ 15 વર્ષ જૂની અને ખખડધજ હાલતમાં છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ એમ્બ્યુલન્સ માત્ર 25 થી 50 કિલોમીટર સુધી જ દર્દીઓને લઈ જઈ શકે છે. આના કારણે ગંભીર દર્દીઓને ભાવનગર, રાજકોટ કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રિફર કરતી વખતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દર્દીઓના પરિવારજનોને ઘણીવાર ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે, જેના માટે તેમને ઊંચું ભાડું ચૂકવવું પડે છે. આર્થિક રીતે નબળા પરિવારો માટે આ વધારાનો ખર્ચ મોટો બોજ બની રહે છે. એમ્બ્યુલન્સના તળિયે આરપાર હોલ દેખાય છે, જે ગંભીર અકસ્માતનો ભય પણ ઊભો કરે છે. ગઢડાના સ્થાનિક કિશોર વેલાણીએ આ અંગે જણાવ્યું હતું કે, દર્દીઓની સુવિધા અને તાત્કાલિક સારવાર માટે ગઢડા રેફરલ હોસ્પિટલને નવી અને આધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી માગ છે. આધુનિક એમ્બ્યુલન્સમાં ALS (એડવાન્સ લાઇફ સપોર્ટ), ECG મશીન, મેન્યુઅલ ડેફિબ્રિલેટર અને ICU જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. હોસ્પિટલના અધિક્ષક ડો.આદિત્ય પીડાપારથીએ જણાવ્યું કે, ગઢડા રેફરલ હોસ્પિટલમાં 2015ના મોડલની 11 વર્ષ જુની એમ્બ્યુલન્સ છે, તેમજ બે લાખ ને પાંચ હજાર કિલોમીટર ચાલી છે. નવી એમ્બ્યુલન્સને લઈ સરકારનો ક્રાઈટ એરીયા હોય છે. જેમકે 15 વર્ષ પુરા થવા જોઈએ અથવા અઢી લાખ કિલોમીટર ચાલી હોવી જોઈએ. તો ક્રાઈટ એરીયા મુજબ એમ્બ્યુલન્સ મુદત પુરી થાય પછી નવી એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવે છે. હાલમાં દર્દીને નજીકની હોસ્પિટલ બોટાદ કે ભાવનગર રીફર કરવાના હોય તો આ એમ્બ્યુલન્સ દ્વારા તેને રીફર કરાય છે. ગઢડા હોસ્પિટલને એક નવી હોસ્પિટલ મળે તો સારી બાબત છે, પરંતુ સરકારના ક્રાઈટ એરીયા પ્રમાણે માંગણી કરી શકાય. જો હોસ્પિટલને નવી એમ્બ્યુલન્સ મળે તો દર્દી માટે સારી બાબત છે કારણ કે, નવી એમ્બ્યુલન્સમાં સુવિધાઓ હોય છે, જેથી નવી એમ્બ્યુલન્સ મળે તો સારી બાબત છે.
Read Original Article →