ગઢડાના મોટી કુંડળ તળાવ વર્ષોથી લીકેજ:તંત્રને અનેકવાર રજૂઆતો છતાં સમારકામ ન થતા ખેડૂતો ચિંતિત

Gujarat5/27/2026, 5:30:27 PM
ગઢડાના મોટી કુંડળ તળાવ વર્ષોથી લીકેજ:તંત્રને અનેકવાર રજૂઆતો છતાં સમારકામ ન થતા ખેડૂતો ચિંતિત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામે આવેલું તળાવ વર્ષોથી પાળ નીચેથી લીકેજ થઈ રહ્યું છે. આ તળાવ મોટી કુંડળ સહિત ઈગોરાળા, વાવડી અને નાની કુંડળ જેવા ચારથી પાંચ ગામોને પાણીનો લાભ આપે છે. તળાવમાંથી પાણી લીકેજ થવાને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. આ તળાવ 1972માં બનાવવામાં આવ્યું હતું. તળાવમાં પાણી ભરાયેલું રહેવાથી આસપાસના ગામોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે છે, જે ખેતી માટે ફાયદાકારક છે. તળાવમાંથી પાણી લીકેજ થવાને કારણે આજુબાજુના દસેક જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે. પરિણામે, ખેડૂતો વાવેતર કરી શકતા નથી અને ખેતરો બંજર બની રહ્યા છે. કેટલાક ખેતરોમાં પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે તળાવની પાળ નીચેથી પાણી લીકેજ થવાથી પાણીનો મોટા પાયે વ્યય થાય છે અને તે ગામની નદીમાં વહી જાય છે, જેના કારણે તળાવ ખાલી થઈ જાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તળાવ બન્યા પછી તેનું ક્યારેય સમારકામ કરવામાં આવ્યું નથી. તળાવની પાળ પર અને આસપાસ બાવળના ઝુંડ જામી ગયા છે, જેની સફાઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આ મામલે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. મોટી કુંડળ ગામના યુવા આગેવાન ચંદ્રસિંહ જાળીયાએ આ અંગે માહિતી આપતા તાત્કાલિક તળાવનું સમારકામ કરવા અને જંગલ કટિંગ કરવાની માંગ કરી છે.
Read Original Article →