ગઢડાના 15થી વધુ ગામોમાં સિંચાઈ પાણીની સમસ્યા:સૌની યોજનામાં સમાવેશ કરવા ખેડૂતોની માંગ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના 15થી વધુ ગામોમાં સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઈ છે. આ ગામોને સૌની યોજનામાં સમાવેશ કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ હાલમાં વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર છે. ગઢડા તાલુકાના વાવડી, મોટી કુંડળ, સમઢિયાળા, રળીયાણા, પડવદર, ઈગોરાળા, સીતાપર, પીપરડી, ઘોઘાસમડી, માલપરા, પાટણા, જુનવદર, લીંબડીયા, પાડાપાણ અને ગુંદાળા સહિતના ૧૫ થી વધુ ગામોમાં સિંચાઈના પાણીની અછત છે. સૌની યોજનાનો લાભ ન મળવાને કારણે આ ગામોના ખેડૂતો માત્ર વરસાદ પર નિર્ભર છે. સારા વરસાદથી બે પાક લઈ શકાય છે, પરંતુ ઓછો વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. આ ગામોમાં નદીઓ, નાળાઓ અને તળાવો સુકાઈ ગયા છે, જેના કારણે જમીનો બંજર બની રહી છે. ખેડૂતોનું માનવું છે કે જો આ ગામોને સૌની યોજનામાં સામેલ કરવામાં આવે તો ચેકડેમ અને નદીનાળાઓમાં પાણી પહોંચશે. આનાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે અને સિંચાઈની સમસ્યા હલ થશે. ખેડૂતો દ્વારા આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ વચનો આપે છે, પરંતુ જીત્યા બાદ સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી. રણીયાળા ગામના સરપંચ હિમતભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે જો તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આંદોલન કરશે.
Read Original Article →