બોટાદ શહેર ભાજપ પ્રમુખ પર હુમલો:ટિકિટ ન મળતા ભાજપના જ આગેવાને પથ્થરમારો કર્યો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

Gujarat4/11/2026, 10:18:36 AM
બોટાદ શહેર ભાજપ પ્રમુખ પર હુમલો:ટિકિટ ન મળતા ભાજપના જ આગેવાને પથ્થરમારો કર્યો, મામલો પોલીસ મથકે પહોંચ્યો
બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નીચે રાજકીય ગરમાવો તે સમયે હિંસક બન્યો જ્યારે ભાજપના જ એક આગેવાને શહેર ભાજપ પ્રમુખ પર હુમલો કર્યો હતો. ટિકિટ વિતરણના મામલે ચાલી રહેલી નારાજગીને પગલે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટિકિટ મુદ્દે ઉગ્ર બોલાચાલી પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા અને ભાજપના આગેવાન ભૂપત ચૌહાણ વચ્ચે ટિકિટ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભૂપત ચૌહાણના પુત્રને ટિકિટ ન મળતા તેઓ લાંબા સમયથી નારાજ હતા અને શહેર પ્રમુખ પર ટિકિટ આપવા માટે દબાણ કરી રહ્યા હતા. આ દબાણ વશ ન થતા મામલો બિચક્યો હતો અને ભૂપત ચૌહાણે આવેશમાં આવી કિરીટ પાટીવાળા પર પથ્થર વડે હુમલો કર્યો હતો. બચાવ અને ઈજા આ હુમલામાં શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળાનો આબાદ બચાવ થયો હતો. જોકે, તેમની સાથે હાજર અન્ય 1 કાર્યકરને પગના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. ઘટના બાદ તરત જ કાર્યકરો ઉમટી પડ્યા હતા અને મામલો બોટાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સલામતી સામે સવાલ પોલીસ મથકે નિવેદન આપતા કિરીટ પાટીવાળાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "હું પક્ષનો જવાબદાર પદધારી છું. જો મારા પર જ આ રીતે હુમલો થતો હોય, તો સામાન્ય કાર્યકરો અને સામાન્ય નાગરિકોની સલામતીનું શું? આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભા થાય છે." તેમણે પોલીસ પાસે આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ બોટાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પક્ષના આંતરિક વિખવાદ અને હિંસક ટકરાવને પગલે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ જાગી છે.
Read Original Article →