બોટાદમાં યુવક પર જીવલેણ હુમલાના CCTV વિડીયો સામે આવ્યાં:લારી ઊભી રાખવા બાબતે 4 શખ્સોએ ઢોર માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
બોટાદમાં બે દિવસ પહેલા નાસ્તાની લારી મુકવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવકને ચાર શખ્સોએ ઢોરમાર માર્યો હતો. યુવક પર જીવલેણ હુમલાની આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના મિલેટ્રી રોડ પર આવેલા ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં બની હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર જેટલા શખ્સો યુવકને ઢીકાપાટુનો માર મારી રહ્યા છે. મારકૂટના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયો છે.બોટાદ પોલીસે આ મામલે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. નજીવી બાબતે બોલાચાલી ઉગ્ર બની
પોલીસ ફરિયાદ અનુસાર, 26 મેના દિવસે હરણકુઈ વિસ્તારમાં મજૂરી કામ કરતા જુનેદ અયુબ ખલ્યાણી બી.એન. ફૂટની દુકાન સામે કામ કરી રહ્યા હતા. તે સમયે તેમના બનેવી અફઝલ રજાક માંકડ ટીસી પાસે પોતાની લારી લઈને ઊભા હતા. આ દરમિયાન લારી ઊભી રાખવા બાબતે મેમુદ છના ભાષ અને તોસીફ ઈલ્યાસ ભાષે અફઝલ સાથે બોલાચાલી શરૂ કરી હતી. ચાર શખ્સોનો હુમલો અને જાનથી મારવાની ધમકી
જુનેદે આ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા બોલાચાલી વધુ ઉગ્ર બની હતી. થોડી જ વારમાં શબ્બીર અનવર મીણાપરા અને મહમદ ફારૂક ડાયમા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ચારેય શખ્સોએ ભેગા મળીને જુનેદને ગાળો ભાંડી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન મેમુદે જુનેદનું માથું દીવાલ સાથે જોરથી ભટકાવ્યું હતું, જેના કારણે તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જુનેદની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવક ભાવનગર રિફર
ગંભીર રીતે ઘાયલ થયેલા જુનેદને તાત્કાલિક બોટાદની સોનાવાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભાવનગરની સિવિલ (સર્ટી) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બોટાદ પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →