અમેરિકામાં ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે SACRED Actને મંજૂરી:100 ફૂટ બફર ઝોનની જોગવાઈ, ભક્તોને ડરાવવા કે અવરોધવા બદલ ફેડરલ ગુનો ગણાશે
અમેરિકામાં ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક કાયદો રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસમેન ટોમ સુઓઝી અને કોંગ્રેસમેન મેક્સ મિલર દ્વારા સંયુક્ત રીતે 'SACRED Act' નામનું આ દ્વિપક્ષીય બિલ યુનાઇટેડ સ્ટેટ્સમાં રજૂ કરાયું છે. તેનો મુખ્ય હેતુ તમામ ધર્મના લોકોને ડર વગર પોતાના ધાર્મિક સ્થળોએ જવાની સુરક્ષા પૂરી પાડવાનો છે.છેલ્લા કેટલાક સમયથી અમેરિકાભરમાં હિન્દુ મંદિરો, સિનાગોગ, ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદો જેવા ધાર્મિક સ્થળોની બહાર ભક્તોને ડરાવવા, ધમકાવવા અને હેરાનગતિ કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ઘણા કિસ્સાઓમાં, ઉગ્ર પ્રદર્શનકારીઓ દ્વારા ભક્તોને પ્રાર્થના કરવા જતા રોકવામાં આવે છે અથવા તેમની સાથે શાબ્દિક દુર્વ્યવહાર કરવામાં આવે છે.આ પ્રકારની અપ્રિય ઘટનાઓને કડકાઈથી રોકવા અને ભક્તોના ધાર્મિક સ્વાતંત્ર્યનું રક્ષણ કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. 'SACRED Act' (Safeguarding Access to Congregations and Religious Establishments from Disruption) અંતર્ગત, કોઈપણ ધાર્મિક સ્થળની આસપાસ 100 ફૂટના વિસ્તારને 'બફર ઝોન' તરીકે સુરક્ષિત જાહેર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ 100 ફૂટના વિસ્તારમાં કોઈ ભક્તને ઇરાદાપૂર્વક ડરાવે, ધમકાવે, શારીરિક રીતે તેમનો રસ્તો રોકે અથવા હેરાન કરવાના હેતુથી 8 ફૂટની નજીક આવે, તો તેને 'ફેડરલ ગુનો' ગણવામાં આવશે અને તે મુજબ કડક સજા થશે.અમેરિકામાં વસતા વિવિધ ધાર્મિક સમુદાયોએ આ કાયદાને ખુલ્લા મને આવકાર્યો છે. ખાસ કરીને ભારતીય અને હિન્દુ સમુદાય માટે આ એક મોટા રાહતના સમાચાર છે. આ બિલને BAPS સ્વામિનારાયણ સંસ્થા, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) અને યુનાઈટેડ શીખ્સ જેવી અગ્રણી સંસ્થાઓનું સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, વિવિધ યહૂદી અને મુસ્લિમ સંગઠનો પણ આ કાયદાના સમર્થનમાં આગળ આવ્યા છે.સાંસદોના જણાવ્યા અનુસાર, અમેરિકાના બંધારણમાં આપવામાં આવેલો પ્રથમ સુધારો શાંતિપૂર્ણ અભિવ્યક્તિનો અધિકાર આપે છે, પરંતુ તે કોઈને પણ ધાર્મિક આસ્થાનું પાલન કરતા લોકોને હેરાન કે ભયભીત કરવાનો અધિકાર આપતો નથી. આ કાયદો લાગુ થવાથી અમેરિકામાં ધાર્મિક સહિષ્ણુતા અને કાયદાનું શાસન વધુ મજબૂત બનશે, જેથી દરેક નાગરિક પોતાના ધર્મનું ગૌરવભેર, શાંતિથી અને સુરક્ષિત રીતે પાલન કરી શકશે.
Read Original Article →