જીઈસીમાં શારીરિક કસરતના મહત્વ પર વર્કશોપ:માનવીને માનસિક એકાગ્રતા અને તણાવમુક્તિ માટે કસરત અનિવાર્ય
ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ (GEC)ના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વેલબિઈન્ગ એન્ડ હેપ્પીનેસ ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે ધ પાવર ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ ઇન એવરી ડે લાઇફ (દૈનિક જીવનમાં શારીરિક કસરતની શક્તિ) વિષય પર એક વિશેષ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન ભારતસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સૈનિક જીવનના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, શિસ્તબદ્ધ જીવન અને નિયમિત કસરત એ માત્ર શરીર માટે જ નહીં, પરંતુ માનસિક એકાગ્રતા અને તણાવમુક્તિ માટે પણ અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક સમજાવ્યું કે વ્યાયામથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં પાયાનું કામ કરે છે. આ વર્કશોપમાં વક્તા દ્વારા વિદ્યાર્થીઓને સરળ વ્યાયામ, સ્ટ્રેચિંગ અને શ્વાસવ્યાયામનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યસ્ત શૈક્ષણિક સમયપત્રક વચ્ચે પણ સ્વાસ્થ્ય માટે સમય કેવી રીતે ફાળવવો તેનું પ્રેરણાદાયી શિક્ષણ આપવામાં આવ્યું હતું.
Read Original Article →