ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની કાર્યવાહી:ઉમરાળાના મારામારીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને સુરતથી દબોચી લીધો
ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા નાસતા-ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ (ઝુંબેશ) રાખવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડની ટીમને એક મોટી સફળતા મળી છે. ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી નાસતા-ફરતા એક શખ્સને પોલીસે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન સોર્સની મદદથી સુરત ખાતેથી દબોચી લીધો છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં છુપાયો હોવાની મળી હતી બાતમી
લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) કચેરીએથી મળતી સત્તાવાર માહિતી મુજબ, ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન સ્ટાફના માણસોને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કથી એક ચોક્કસ કડી મળી હતી કે, ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા મારામારીના ગુનામાં સંડોવાયેલો અને ફરાર થયેલો આરોપી રામજી ઉર્ફે રાજુ લક્ષ્મણભાઈ બારૈયા સુરતના નાના વરાછા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. પોલીસે મકાન પર દરોડો પાડી દબોચી લીધો
બાતમી અત્યંત ચોક્કસ હોવાથી પેરોલ ફર્લો સ્કવોડની એક ટીમ તાત્કાલિક સુરત રવાના થઈ હતી. પોલીસે સુરતના નાના વરાછાના ભરતનગર વિસ્તારમાં આવેલા મકાન નંબર 128 પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે ત્યાંથી મૂળ ઉમરાળા પંથકના આરોપી રામજી ઉર્ફે રાજુભાઈ લક્ષ્મણભાઈ બારૈયા (ઉં.વ.35) ને આબાદ ઝડપી પાડ્યો હતો. સુરતથી પકડી પાડેલા આ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ભાવનગર લઈ આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ ટ્રાન્સફર વોરંટની પ્રક્રિયા માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. આ સફળ ઓપરેશન અંગે ઉમરાળા પોલીસને પણ સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે, જે હવે આરોપીનો કબજો મેળવી ગુના સંદર્ભે વધુ પૂછપરછ હાથ ધરશે.
Read Original Article →