મહિલાઓ રચ્યું લૂંટનું નાટક:લૂંટની ફરિયાદ કરનાર મહિલા જ લૂંટારૂ નિકળી મહિલા સહિત બેની ધરપકડ કરવામાં આવી

Gujarat4/6/2026, 2:01:20 AM
શહેરમાં ચા ખાંડની પેઢી ધરાવતા પેઢી માલીકે તેમની ફેક્ટરીમાં કામ કરતી મહિલાને તેમના પતિનો પગાર તેમજ કારીગરોના પગારના રૂપિયા આપેલ હતા. જે બાદ આ મહિલા રૂપિયાનો થેલો લઇને ઘરે જતી હતી જે દરમિયાન તેમના સ્કુટરમાં રૂપિયાનો થેલો ટીંગાડેલો હતો. જે થેલો ટ્રાફિકનો લાભ લઇ બે શખ્સો લૂંટી ગયા હોવાનું ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસની તપાસમાં કંઇક ચિત્ર જુદુ જ તરી આવ્યું હતું અને ખુદ ફરિયાદ કરનાર મહિલા જ આરોપી નિકળી છે અને તેના મિત્રને રૂપિયા આપી દિધા હોવાનું અને ફેક્ટરી માલિકને રૂપિયા પરત ન કરવા પડે જેને લઇને નાટક રચ્યું હતું. શહેરમાં રહેતી શિલ્પાબેન વિજયભાઇ સોલંકી નામની મહિલાએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિનો પગાર તેમજ કારીગરોનો પગાર મળી કુલ રૂા. 90,500 ભરેલો થેલો લઇને તેઓ સ્કુટરમાં ઘર તરફ જઇ રહ્યા હતા. જે દરમિયાન કરચલિયા પરા આગરીયાવાડના નાકા પાસે ટ્રાફિક જામ હોવાને લીધે તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા. તે વેળાએ બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવેલ હતા અને મહિલાના સ્કુટર ઉપર ટીંગાડેલો રૂપિયાનો થેલો લૂંટી ફરાર થયા હતા. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર એલ.સી.બી.ના પી.એસ.આઇ. પી.ડી.ઝાલાને તપાસ સોંપવામાં આવી હતી. જે દરમિયાન તપાસનીશ અધિકારીએ મહિલાની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે ચિત્ર કંઇક જુદુ જ તરી આવ્યું હતું અને મહિલાએ તેના મિત્ર શ્રીધર ઉર્ફે સિદ્ધુ સોલંકીને મહિલા કોલેજ નજીક રૂપિયા ભરેલ થેલો આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે શિલ્પા સોલંકી અને શ્રીધર ઉર્ફે સિદ્ધુની ધરપકડ કરી હતી. ખોટી માહિતી આપવાની કાર્યવાહી કરાશે શિલ્પાબેન રાઠોડે પોલીસ ફરિયાદ ખોટી કરી હતી જેમાં કોઇ ઘટના બની જ ન હોય તેવી માહિતી ફરિયાદમાં લખાવવામાં આવી હતી. જે બાદ પોલીસ તપાસમાં પણ સરકારી કર્મચારીઓને ગુમરાહ કરી રહી હતી. હાલ બંન્ને આરોપી ગંગાજળીયા પોલીસને સોંપી આપેલ છે અને સરકારી કર્મચારીને ખોટી માહિતી આપવા બાબતેની મહિલા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. > પી.ડી.ઝાલા , પી.એસ.આઇ. એલ.સી.બી. તપાસમાં ફરિયાદી મહિલા ભાંગી પડતા નાટક ખુલ્યું પોલીસની તપાસ દરમિયાન લૂંટ બાદ મહિલાએ બુમાબૂમ ન કરી હોવાનું જાણવા મળતા મહિલા ખોટું બોલતી હોવાનું જણાઇ આવ્યું હતું, જ્યારે મહિલાએ ઘટના ઘટ્યાના અડધી કલાક બાદ ફોન કર્યો હતો. સ્થળ ઉપર પોલીસે તપાસ કરતા હાજર લોકોએ લૂંટની ઘટના થઇ ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાએ તેના મિત્રને રૂપિયાની જરૂર હોવાથી તેના મિત્ર શ્રિધરને રૂપિયા આપેલ હતા.
Read Original Article →