પ્રથમ મનાતું શિપ અલંગ પહોચ્યું:ભયાનક યુદ્ધ વચ્ચેથી સુરક્ષિત બહાર નીકળેલું જહાજ અલંગમાં ભંગાશે
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ)માં ભારે તંગદિલી વ્યાપેલી છે, જેની વૈશ્વિક દરિયાઈ વેપાર પર ગંભીર અસર પડી છે. આ યુદ્ધ દરમિયાન વિશ્વના સૌથી સંવેદનશીલ અને જોખમી ગણાતા હોરમુઝની સમુદ્રધૂની રૂટ પરથી સફળતાપૂર્વક પસાર થઈને યુદ્ધની ભયાનકતાનું સાક્ષી બનેલું વિશાળ એલએનજી કેરિયર જહાજ સહાર હવે આખરી મુકામે પહોંચી ગયું છે. યુદ્ધગ્રસ્ત વિસ્તાર અને મિસાઇલ હુમલાની સીધી આશંકા વાળા રેડ-ઝોનમાંથી હેમખેમ બહાર નીકળ્યા બાદ આ જહાજની વ્યાવસાયિક સફરનો સત્તાવાર અંત આવ્યો છે અને તેને ભંગાર માટે વેચી દેવામાં આવ્યું છે ઇરાન-ઇઝરાયેલ તણાવ વચ્ચે હોરમુઝની સમુદ્રધૂનીમાંથી પસાર થવું કોઈપણ શિપ માટે આત્મઘાતી સાબિત થઈ શકે તેમ હતું, કારણ કે ત્યાં ડ્રોન, દરિયાઈ માઇન્સ અને મિસાઇલ હુમલાનો સતત ભય રહેતો હોય છે. આવા યુદ્ધના માહોલ વચ્ચે પણ વૈશ્વિક ઉર્જા સંકટને ટાળી પોતાની સફર પૂરી કરનાર આ શિપ હાલ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અલંગના શિપ બ્રેકર્સ અને શિપ રીસાયકલિંગ ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ કદના વિશાળ જહાજના આગમનથી મંદ પડેલા બજારને નવું જોમ મળશે. કોરોનાકાળ અને વૈશ્વિક આર્થિક મંદી બાદ આ જહાજના આગમનથી યાર્ડમાં ફરી એકવાર મોટી સાઇઝના જહાજોના શિપ રીસાયકલિંગની પ્રવૃત્તિ વેગ પકડશે. આગામી થોડા દિવસોમાં તમામ જરૂરી કાનૂની અને કસ્ટમ્સ મંજૂરીઓ મળ્યા બાદ, આ જહાજને અલંગના ફાળવાયેલા પ્લોટ પર બીચિંગ કરવામાં આવશે. આ વિશાળ જહાજમાંથી મોટા પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તાવાળું લોખંડ હેવી મશીનરી અને અન્ય કિંમતી સાધન-સામગ્રી ઉપલબ્ધ થશે. અલંગ હવે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બન્યું હોવાથી, આ શિપનું રીસાયકલિંગ હોંગકોંગ કન્વેન્શન (HKC)ના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ પર્યાવરણને સહેજ પણ નુકસાન ન થાય તે રીતે ગ્રીન શિપ રીસાયકલિંગ પદ્ધતિથી કરાશે. હોર્મુઝ રૂટ અને LNG સહારની ખાસિયત હોરમુઝની સમુદ્રધૂની ઓમાન અને ઇરાનની વચ્ચે આવેલો આ એક સાંકડો દરિયાઈ માર્ગ છે. વિશ્વના કુલ તેલ અને ગેસ સપ્લાયના અંદાજે 20%થી વધુ હિસ્સા માટે આ એકમાત્ર રસ્તો છે, જેને હાલ યુદ્ધના કારણે વોર ઝોન જાહેર કરાયો છે. જાણો LNG કેરિયર સહાર અંગે આ વિશાળ જહાજ ખાસ કરીને પ્રવાહી કુદરતી ગેસ (Liquefied Natural Gas)ના પરિવહન માટે ડિઝાઈન કરાયું હતું. યુદ્ધ શરૂ થયા બાદ જોખમી રૂટ પરથી સુરક્ષિત રીતે નીકળનારું આ પ્રથમ જહાજો પૈકીનું એક ગણાય છે.
Read Original Article →