ટીબીના દર્દીના મૃત્યુનો પણ મોટો વિવાદ:બે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે તપાસ માટે કમિટી રચાઈ, રોજ રિસેસ પછી ગુમ થઇ જતાં સિનિયર ડોક્ટરોને છાવરાયા
સર ટી. હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીની અવાર-નવાર ઉઠતી ફરિયાદો વચ્ચે હાલમાં 22 વર્ષીય યુવાનના મોતના મામલે વિવાદ સર્જાયો છે. રાજુલાના ડુંગર ગામના અકસ્માતગ્રસ્ત યુવકનું ભાવનગર સર ટી. હોસ્પિટલના આઈ.સી.યુ.માં મોત થતા યુવકના પરિવારજનોએ જુનિયર તબીબોની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતક યુવકના પરિવારજનોએ આઈ.સી.યુ.માં ફરજ પર રહેલા જુનિયર રેસિડેન્ટ ડોક્ટર વૅન્ટિલેટર હટાવવાનાં કારણે મોત થયાની ફરિયાદ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ભાવનગર સર ટી. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા બે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે તપાસ માટે ત્રણ સિનિયર ડોક્ટરની તપાસ કમિટીની રચના કરી છે. ભાવનગર સર ટી. હોસ્પિટલમાં વૅન્ટિલેટર કાઢી લેતાં યુવકના થયેલા મૃત્યુના આક્ષેપ મામલે સર્જરી વિભાગના બે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની સામે હાલ તબીબી સારવારથી અળગા રાખવાના શિક્ષાત્મક પગલાં લઈ મેમો આપી ખુલાસો પુછવામાં આવ્યો છે. યુવકના મોટ મામલે થયેલા વિવાદની તપાસ માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ દ્વારા બે પ્રોફેસરો અને એક વિભાગીય વડા મળી કુલ ત્રણ સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. સર ટી. હોસ્પિટલમાં ચાલી રહેલા આ વિવાદમાં તત્કાલીન ભાવનગર સર ટી. હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.જિજ્ઞા ત્રિવેદી એકાએક રજા પર ઉતરી ગયા હસે ત્યારે ભાવનગર સર ટી. હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષકનો ચાર્જ ડો.કૈરવી દેસાઈને સોંપવામાં આવ્યો છે. રાત્રે સિનિયરો આરામમાં, સર ટી.હોસ્પિટલ જુનિયર તબીબોના હવાલે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ક્લિનિકલ વિભાગો, સ્પેશિયાલિટી વિભાગો, પેથોલોજી, માઈક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી તેમજ રેડિયોલોજીના જુદા-જુદા વિભાગોમાં દરેક વિભાગ પ્રમાણે 24 કલાક માટે એક યુનિટ ટીમને તત્કાલ સારવાર માટે તૈનાત રાખવાની હોય છે. જોકે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખાડે ગયેલા વહીવટને કારણે મોટાભાગે તત્કાલ સહિતના વિભાગોમાં રાત્રે આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, પ્રોફેસર અને સિનિયર ડોકટરો સરકારી ચોપડે હાજર રહી આરામ ફરમાવતા હોય છે ત્યારે હોસ્પિટલ ઓછાં અનુભવી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોના હવાલે રહેતી હોય છે. જેના કારણે રાત્રે સર્જાતા કોઈ વિવાદ કે ઘર્ષણના કિસ્સામાં દર્દીના પરિવાજનોનો રોષ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોને મૂંગા મોઢે સહન કરવો પડતો હોય છે. આ બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જોઈએ ભાવનગર સર ટી. હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગના જુનિયર તબીબોની બેદરકારીથી મોત થયાનો મૃતક યુવકના પરિવાજનોએ આક્ષેપ કર્યો છે. આ ગંભીર બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જોઈએ. આ વિવાદને લઈ ભાવનગર સર ટી. હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિના સભ્યો રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી યોગ્ય કાર્યવાહી થાય તેવી રજૂઆત કરીશું. > ભરત મોણપરા, સભ્ય, રોગી કલ્યાણ સમિતિ, સર ટી. હોસ્પિટલ ભાવનગર તપાસ શરૂ કરાઈ છે તમામના નિવેદનો લેવામાં આવશે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં 22 વર્ષીય યુવાનના મોતના વિવાદ મામલે તપાસ કમિટી રચના કરવામાં આવી છે. જેમાં તપાસ શરૂ કરાઈ છે તમામના નિવેદનો લેવામાં આવશે. હાલમાં આ વિવાદમાં મામલે સંબંધિત જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોને તબીબી કામોથી અળગા રાખી મેમો આપવામાં આવ્યો છે. > ડો.ચિન્મય શાહ, ડીન, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર
Read Original Article →