શોભાવડમાં દલિતોના પ્લોટ અને ગૌચરની જમીન પર કબ્જા મામલે હોબાળો:ચાર શખ્સો સામે એટ્રોસિટી સહિત કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ, આરોપીઓની ધરપકડ ન થતાં પીડિત SP કચેરીએ આવ્યા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામમાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ દલિત સમાજને ફાળવવામાં આવેલા પ્લોટ તેમજ ગામના ગૌચરની પડતર જમીન પર ગેરકાયદેસર ખોદકામ અને કબજો કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ ચકચારી મામલે તળાજા પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયાને એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતાં પીડિત દલિત પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે. ન્યાય ન મળતા રોષે ભરાયેલો પરિવાર ભાવનગર ડી.એસ.પી. કચેરી ખાતે પહોંચ્યો હતો અને DySP રીમાબા ઝાલાને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. સરકારી જમીન પર ગેરકાયદે પુરાણ અટકાવતા બબાલ થઈ હતી
આ મામલે એક અઠવાડિયા પહેલાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, નવા શોભાવડ ગામે રહેતા અને નિવૃત જીવન જીવતા ૬૨ વર્ષીય કાળુભાઈ મેઘજીભાઈ રાઠોડના ઘરની પાછળ અડીને આવેલી સરકારી ગામતળની જમીનમાં ગત તા. 12-05-2025 ના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ ટ્રેક્ટર અને જેસીબી (JCB) વડે માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું હતું. કાળુભાઈએ ત્યાં જઈને માટી પુરાણ કરી રહેલા જયભાઈ મધુભાઈ ભાદરકા (રહે. તળાજા) ને જણાવ્યું હતું કે, "તમે ખરીદેલી જમીનમાં પુરાણ કરો, અમારા ઘરને અડીને આવેલી સરકારી ગામતળની જમીનમાં પુરાણ કરશો નહીં." "એટ્રોસિટી મારું કાંઈ બગાડી શકશે નહીં" કહી જાહેરમાં હડધૂત કર્યા
આ વાત સાંભળતા જ આરોપી જયભાઈ ભાદરકા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને કાળુભાઈને કહ્યું હતું કે, "તારે થાય તે કરી લે, પુરાણ તો થશે જ." તેમ કહી જાહેરમાં બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ કાયદાનો કોઈ ડર ન હોય તેમ પડકાર ફેંકતા કહ્યું હતું કે, "તારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવ, તારી એટ્રોસિટી મારું કાંઈ બગાડી શકશે નહીં." તેમ કહી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યા હતા. આ સમયે જયભાઈ સાથે હાજર અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ પણ ગાળો આપી હતી અને "અહીંથી જતો રહે, જો ફરીવાર આવીશ તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હતી. પોલીસની હાજરીમાં કામ બંધ રહ્યું પણ ફરી શરૂ થતાં ફરિયાદ થઈ
ઘટના સમયે કાળુભાઈના બે દીકરાઓ નિલેશભાઈ અને જીતુભાઈ ત્યાં આવી જતાં તેમણે પિતાને બચાવ્યા હતા અને તાત્કાલિક ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. જે તે સમયે પોલીસે આવીને માટી પુરાણનું કામ બંધ કરાવ્યું હતું. પરંતુ, ત્યાર બાદ ફરીથી ગેરકાયદેસર કામ શરૂ કરાતા કાળુભાઈ રાઠોડે પોલીસ સ્ટેશન પહોંચીને જય મધુભાઈ ભાદરકા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સહિત ચાર શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ પાસે હથિયારના પરવાના હોવાથી જીવનું જોખમ આજે એસ.પી. કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા પીડિત કાળુભાઈએ ન્યાયિક પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા રોષપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે અમે રજૂઆત કરવા ગયા ત્યારે અમને કહેવામાં આવ્યું કે હજી બે નામની ઓળખાણ બાકી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને અમને ધાક-ધમકી આપી રહ્યા છે. આરોપીઓ ભારે વગ ધરાવતા અને માથાભારે છે, તેમની પાસે હથિયારના પરવાના પણ છે, જેનાથી અમારા અને અમારા પરિવારના જીવને મોટું જોખમ છે. પીડિત પરિવારે વહેલામાં વહેલી તકે આરોપીઓની ધરપકડ કરીને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવાની માંગ કરી છે. DySP રીમાબા ઝાલાએ આ મામલે તટસ્થ અને ઝડપી તપાસની ખાતરી આપી છે.
Read Original Article →