હોસ્પિટલમાં ફરી એકવાર જટિલ સર્જરી:સર ટી.માં થાઇરોઇડની 700 ગ્રામની ગાંઠની સફળ સર્જરી
ભાવનગર જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ભાવનગર સર. ટી. હોસ્પિટલમાં ફરી એકવાર જટિલ સર્જરી સાથે તબીબી કુશળતાનો ડંકો વગાડ્યો છે. સર ટી. હોસ્પિટલના કાન, નાક અને ગળા વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે પરપ્રાંતિય આધેડ મહિલાના ગળાના ભાગે રહેલી 700 ગ્રામ જેટલું વજનની મોટા કદની અત્યંત જટિલ અને જોખમી ગાંઠનું સફળ ઓપરેશન કરીને દર્દીને નવું જીવન આપ્યું છે. અત્યારના આધુનિક મેડિકલ ક્ષેત્રે હવે જવલ્લે જોવા મળતી થાઇરોઇડ ગ્રંથિની વિશાળ ગાંઠના સફળતાપૂર્વક નિદાનથી મહિલાને મળ્યું નવજીવન મળ્યું છે. ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના રહેવાસી પરપ્રાંતિય આધેડ મહિલા ભાવનગર પોતાના ભાઈને ઘરે આવ્યા હતા. છેલ્લાં બે દાયકાથી થાઇરોઇડ ગ્રંથિની વિશાળ ગાંઠથી પીડાતી મહિલાને ગાંઠનો દુઃખાવો અસહ્ય બનતા ગયા સપ્તાહે ભાવનગર સર. ટી. હોસ્પિટલમાં લવાયા હતા. સર ટી. હોસ્પિટલના કાન, નાક અને ગળા વિભાગના વડા ડો.સુશીલ ઝાના માર્ગદર્શન તળે ડો.અનિશ ચૌધરી, ડો.નિવેદિતા, ડો.ધારા ભાટી અને ડો.ધ્રુવરાજ પટેલ સહિતના નિષ્ણાત તબીબોની ટીમે મહિલા દર્દીના જરૂરી રિપોર્ટ બાદ ઓપરેશનથી તજવીજ હાથ ધરી હતી. ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિની ગાંઠથી પીડાતી મહિલાના સર. ટી. હોસ્પિટલમાં ત્રણેક કલાકના સફળતાપૂર્વકના ઓપરેશન બાદ 700 ગ્રામ વજનની અને 11 બાય 10 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતી ગાંઠને કાઢી નાખવામાં આવી હતી. ગળાના ભાગે જોડાયેલી થાઇરોઇડ ગ્રંથિની ગાંઠને દૂર કરવાના ઓપરેશનમાં આધેડ મહિલા દર્દીની સ્વર પેટી, સ્વર તંતુને અને ગળા ભાગની નસોને નુકસાન થવાના ખતરા વચ્ચે થયેલા સફળ નિદાનથી બોજારૂપ બની ગયેલી મહિલાની જિંદગીમાં જાણે બહાર આવી છે. મેડિકલ ક્ષેત્રે થાઈરોઈડ ગ્રંથીને લગતા જવલ્લે જોવા મળતા કેસની સર્જરી કરવામાં સફળતા મળી છે. તબીબી ક્ષેત્રે કોલોઈડ ગોઇટરની ખામી શું છે? થાઇરોઇડ ગ્રંથિ અસંખ્ય નાના-નાના સેલ્યુલર કોષોની બનેલી હોય છે. આ કોષોની અંદર એક જેલી જેવું, ઘટ્ટ પ્રવાહી ભરેલું હોય છે, જેને 'કોલોઇડ' કહેવાય છે. આ પ્રવાહીમાં થાઇરોઇડ હોર્મોન્સનો સંગ્રહ થાય છે. જ્યારે આ પ્રવાહી ગ્રંથિમાં અસાધારણ રીતે જમા થવાં લાગે અને કોષો મોટા થવાં લાગે, ત્યારે તેને કોલોઇડ ગોઇટર કહેવામાં આવે છે. જ્યારે આ પ્રકારનો ગોઇટર ખૂબ મોટો થઈ જાય, ત્યારે ગળાના ભાગે એક વિશાળ ગાંઠ જેવું સ્વરૂપ ધારણ કરી શકે છે.
Read Original Article →