સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:સર ટી.હોસ્પિ.ના સત્તાધીશોનો અંધેર વહીવટ! લાખો રૂપિયાનું ફર્નિચર વરસાદમાં પલળી ગયું

Gujarat4/6/2026, 1:52:12 AM
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:સર ટી.હોસ્પિ.ના સત્તાધીશોનો અંધેર વહીવટ! લાખો રૂપિયાનું ફર્નિચર વરસાદમાં પલળી ગયું
ભાવનગર શહેરમાં આજથી અંદાજે 147 વર્ષ પહેલાં સ્થાપિત કરવામાં આવેલી સર ટી હોસ્પિટલ આજે હજારો દર્દીઓ માટે જીવદોરી સમાન બની રહી છે, જ્યાં રોજિંદા ધોરણે ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી અને બોટાદ જેવા આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે ઉમટે છે. છતાં હોસ્પિટલની હાલત અને સંભાળ અંગે જવાબદાર તંત્ર તરફથી દેખાતી ઉદાસીનતા ચિંતાજનક બની છે. જ્યાં લાખો રૂપિયાનું ફર્નિચર વરસાદમાં પલળી જવાની ઘટના, બપોરે પણ ચાલુ રહેતી લાઈટ-પંખાઓના કારણે વીજળીનો બેફામ વેડફાટ, સુપર સ્પેશિયાલિટી વિભાગ સામે પાણી ભરાવાની કાયમી સમસ્યા, એક્ઝોસ્ટ ફેન બંધ હોવાને કારણે દર્દીઓ બફારા અને ગરમીમાં પરેશાન, ફૂટપાથને બદલે લોકો મુખ્ય રોડ પર ચાલવા મજબૂર બનતા હોવા જેવી અનેક સમસ્યાઓથી દર્દીઓ અને તેના સંબંધીઓ પીડાઈ રહ્યા છે. લાખોના ફર્નિચરને કાટ લાગી જવાની ભીતિ જૂના બિલ્ડિંગની પાછળ આવેલા ખુલ્લી જગ્યામાં વિવિધ વિભાગો માટે મંગાવવામાં આવેલું લાખો રૂપિયાનું ફર્નિચર અઠવાડિયા જેટલા સમયથી પડેલું રહેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કબાટ, સ્ટેન્ડ અને ટેબલ સહિતનો સામાન બે દિવસ અગાઉ પડેલા વરસાદમાં પલળી જતા કાટ ખાઈ નુકસાનની ભીતિ ઊભી થઈ છે. નોંધનીય છે કે આ જગ્યામાં બંને બાજુ છાપરું હોવા છતાં વચ્ચેનો ભાગ ખુલ્લો હોવાથી વરસાદનું પાણી સીધું ફર્નિચર પર પડતા તે ભીનું થઈ ગયું હતું. સર ટી. હોસ્પિટલમાં વીજળીનો બેફામ વેડફાટ: હોસ્પિટલના મલ્ટી સ્પેશિયાલિટી વિભાગની બહાર લગાડવામાં આવેલી લાઈટો બપોરના સમયે પણ ચાલુ રહેતી હોવાની સાથે વિવિધ વોર્ડ તરફ જતાં રસ્તાઓ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવા છતાં લાઈટ અને પંખા ચાલુ રાખવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે વીજળીના સ્પષ્ટ દુરુપયોગ તરફ ઈશારો કરે છે, ખાસ કરીને જ્યારે સરકારી સંસ્થાઓમાં ઊર્જા બચત અને સંસાધનોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે ત્યારે આવી બેદરકારી ચિંતાજનક બની છે. સુપર સ્પેશિયાલિટીમાં પાણી ભરાવાની સમસ્યા: કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા સુપર સ્પેશિયાલિટી વિભાગ સામે બનાવાયેલા RCC રોડમાં ખાડો રહી જવાથી બે દિવસ પહેલા પડેલા વરસાદ બાદ આ ખાબોચિયું પાણીથી ભરાઈ ગયું હતું. એક્ઝોસ્ટ ફેન બંધ હાલતમાં: બફારા અને સફોકેશનમાં તડપતા દર્દીઓ જનરલ વોર્ડમાં લગાવવામાં આવેલા એક્ઝોસ્ટ ફેન સારી સ્થિતિમાં અને રિપેર થયેલા હોવા છતાં ચાલુ ન રાખવામાં આવતા દર્દીઓ માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જ્યાં એક તરફ ઉનાળો અને કમોસમી વરસાદના કારણે વધેલા બફારા અને અસહ્ય ગરમી વચ્ચે મોટા વોર્ડોમાં દર્દીઓ, સગા-સંબંધીઓ તથા હોસ્પિટલ સ્ટાફની હાજરીને કારણે ભીડ વધતી હોવાથી સફોકેશન જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ફૂટપાથને બદલે લોકો રોડ પર ચાલવા મજબૂર: હોસ્પિટલ વિસ્તારમાં રોડની બાજુમાં બનાવવામાં આવેલી ફૂટપાથો સારવાર માટે આવતા લોકોની સલામતી માટે હોવા છતાં ત્યાં પેવર બ્લોક્સ જેમના તેમ પડ્યા રહેતા માર્ગ અવરોધિત બની ગયો છે, જેના કારણે લોકોને મજબૂરીમાં વ્યસ્ત રોડ પર ચાલવું પડી રહ્યું છે જ્યાં ઇમર્જન્સી વાહનોની સતત અવર-જવર રહેતી હોવાથી અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે, આ પરિસ્થિતિ તંત્રની બેદરકારીને ઉજાગર કરતી હોવાનું જણાઈ રહ્યું છે. પાર્કિંગ કરવા માટે રોજ થતી અથડામણો: હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં તે અપૂરતી સાબિત થઈ રહી છે, જેના કારણે દરરોજ દર્દીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, જે વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ઘણી વખત આ પરિસ્થિતિમાં આવતા દર્દીઓ માટે પણ પાર્કિંગ ન મળતાં હાલાકી વધે છે, જે આરોગ્યસેવામાં અવરોધરૂપ બની રહી છે.. ઘણું ફર્નિચર ફાળવવાનું બાકી: હોસ્પિટલમાં આવેલું ફર્નિચર અલગ અલગ સમયે આવ્યું છે. એમાંથી થોડુંક ફર્નિચર ફાળવી દીધું છે. ત્યારે બાકી રહેલું ફર્નિચર લેપ્રસી હોસ્પિટલ ખાતે મોકલવાનું બાકી છે. - ડો. અશોક વાળા, સુપ્રિટેન્ડેન્ટ, સર ટી. હોસ્પિટલ
Read Original Article →