મોટરસાયકલને એક કિલોમીટર સુધી ઘસડી:ગોપીનાથ કોલેજ પાસે બાઈકને ટક્કર મારી ભાગતા ટ્રકે બીજી મોટરસાયકલને અડફેટે લીધી, યુવકનું મોત, અન્ય એક ગંભીર

Gujarat5/27/2026, 4:36:44 AM
મોટરસાયકલને એક કિલોમીટર સુધી ઘસડી:ગોપીનાથ કોલેજ પાસે બાઈકને ટક્કર મારી ભાગતા ટ્રકે બીજી મોટરસાયકલને અડફેટે લીધી, યુવકનું મોત, અન્ય એક ગંભીર
સિહોરના વડલા ચોક પાસે ગત રાત્રે એક બેફામ ગતિએ આવી રહેલા ટ્રકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતાં 18 વર્ષના આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે, આ બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરના હબીબબાપુની શેરીમાં રહેતા લિયાકતભાઇ ગનીભાઇ ડેરેયાના 18 વર્ષના પુત્ર અતીકભાઇ અને તેનો મિત્ર અમનભાઇ બંને એકસેસ મોટરસાયકલ નંબર GJ-04-EM-9287 લઇને રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ વડલા ચોક તરફથી પસાર થઇ રહ્યા હતા, ​તે જ સમયે રાજકોટ તરફથી પુરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક ટ્રક નંબર GJ-11-Z-6888 ના ચાલક ભરત હાદાભાઇ કુવાડીયા રહે.ખાખરીયા, તા. સિહોર એ પોતાની ગાડી ગફલતભરી રીતે ચલાવીને અતીકભાઇની મોટરસાયકલને અડફેટે લીધી હતી. ​અકસ્માત એટલો ભયાનક હતો કે..​પ્રત્યક્ષદર્શીઓ અને ફરિયાદના આધારે, ટ્રક ચાલકે મોટરસાયકલને ટક્કર માર્યા બાદ તેને 'વિકાસ ટ્રાન્સપોર્ટ' ની સામેથી વડલા ચોક ખોડીયાર મંદિર પાછળ સુધી ઘસડી હતી. આ ભયાનક અકસ્માતમાં ​અતીકભાઇ ઉં.વ.18 ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, આ ટ્રકની સાથે આશરે એકાદ કિલોમીટર સુધી રોડ પર ઘસડાતા તેમને શરીરે અને માથા ભાગે અત્યંત ગંભીર ઇજાઓ થઇ છે, જેથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે, ​અન્ય એક વાહનને પણ ટક્કર મારી હતી, ​પોલીસ ફરિયાદ અનુસાર આ બેફામ ટ્રકે અતીકભાઇની ગાડીને ટક્કર મારતા પહેલાં ગોપીનાથ કોલેજ જવાના રસ્તે ગુરૂકૃપા રેસીડેન્સી પાસે આંબલા ગામના ભાવેશ દિનેશભાઇ કંબોયાની મોટરસાયકલ નંબર GJ-04-ED-5453 ને પણ સાઇડમાંથી ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યાંથી ભાગવા જતાં આ મોટી દુર્ઘટના સર્જાઇ હતી, ​આ અંગે મૃતકના પિતા લિયાકતભાઇએ અકસ્માત સર્જી માનવ જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી મોત નીપજાવવા બદલ ટ્રક ચાલક ભરત હાદાભાઇ કુવાડીયા સામે સિહોર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →