અશાંત ધારાનો ભંગ:હિન્દુ પાસેથી મુસ્લિમે ખરીદેલી મિલકતને મંજૂરી નહીં મળતા હિન્દુના નામે મંજૂરી મેળવી સાટાખત પર વેચાણ
અશાંતધારામાં સમાવિષ્ટ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે મિલકત તબદીલીની મંજૂરી નહીં મળતા હિન્દુના નામે મંજૂરી મેળવી માત્ર સાટાખતના આધારે મિલકતના વેચાણ કરતા હોવાનું ષડયંત્ર બહાર આવ્યું છ. જેમાં અશાંત ધારા હેઠળ ગુજરાત રાજ્યમાં બીજો અને ભાવનગરમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. તપાસ દરમ્યાન 5.50 લાખનો આર્થિક લાભ મેળવવા મિલકત વેચાણના કાવતરા બહાર આવ્યા હતા. જેમાં સંડોવાયેલા વધુ બે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમા આવેલ પ્લોટ નં.567/એ1, એ/2/ઈ વાળી મિલ્કત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતા આ મિલ્કતના માલીક દર્શરાજસિંહ ધર્મેંન્દ્રસિંહ ગોહીલએ અશાંતધારા વિસ્તારમાં તબદીલ હેઠળ પુર્વ મંજુરી મેળવ્યા સિવાય મિલ્કત અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને વેચી હતી. જે અંગે સીટી મામલતદાર દ્વારા ગુનો નોંધાવ્યો હતો. જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ.ઇન્સ. વી.સી.જાડેજાએ સંભાળી તપાસમાં હિન્દુની મિલકત ખરીદ વેચાણ માટે હિન્દુના નામના ઉપયોગ કરી લાખોનો લાભ મેળવતા હોવાનું બહાર આવ્યું હતું. જુનેદભાઈ હારૂનભાઇ ગનીયાણીએ આ મકાન પોતે ખરીદ કરી મુળ માલીક પાસેથી મકાન ખરીદ કરવા વેચાણ દસ્તાવેજ કરાવવા પુર્વ મંજુરી મેળવવાની અરજી નાયબ કલેક્ટરને કરી હતી. જે અરજી ના મંજુર થતા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણીએ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ સાથે મળી કાવતરૂ રચી ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલે તેના દિકરા દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલના નામે મકાન ખરીદ કરવા નાયબ કલેક્ટરની કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ કરવા પુર્વ મંજુરીની અરજી કરી હતી. જે અરજી મંજુર થતા મિલ્કતના નાણા મુળ માલીકને ચુકવવા અલારખાભાઇ કાદરભાઇ ગીગાણી પાસેથી બેન્ક ટ્રાન્ઝેકશન દ્વારા દર્શરાજસિંહના બેંક ખાતામાં અગાઉથી મેળવી લીધા હતાં. ત્યાર બાદ મુળ માલીકને તે નાણા ચુકવી આપી માર્જીનની રકમ રૂ.5.50 લાખ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ તથા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણીએ પોતે મેળવી લીધા હતાં. બાદમાં આ મિલ્કત દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પાસેથી અલરખાભાઇ કાદરભાઇ ગીગાણીએ ખરીદ કરવા નાયબ કલેક્ટરની કચેરી ખાતે પુર્વ મંજુરીની અરજી કરી હતી. જે અરજી ના મંજુર થયેલ હોવા છતા આરોપીઓએ ષડયંત્ર કરીને વેચાણ સાટાખત નોટરી પાસે કરાવી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીને કબજો સોંપી આપ્યો હતો. જેથી દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલારખાભાઇ કાદરભાઇ ગીગાણી અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો દાખલ થયો હતો. આમ, આ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓના બેન્ક ટ્રાન્ઝેકશન/મની ટ્રેઇલ જોતા આરોપીઓએ, દર્શરાજસિંહ ગોહિલના નામે મિલ્કત તબદીલ થયેલ ન હોય તે પહેલા આરોપી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીના બેન્ક ખાતામાંથી રૂ.93 લાખ ટ્રાન્સફર કરાવી મુળ માલીકને રૂ.87.50 લાખ ચુકવેલ. તેમજ રૂ.5.50 લાખ ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા જુનેદભાઈ ગનીયાણીએ આર્થીક લાભ મેળવેલ હોવાની હકિકત તપાસ દરમ્યાન FIRમાં સ્થાવર મિલ્કત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-6(ડી) તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ-61(2) મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ તપાસ દરમ્યાન ખુલવા પામેલ વધુ બે આરોપીઓ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ તથા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીએ વિવાદાસ્પદ મકાન ખાલી કરી મકાનનો કબ્જો દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલને પરત સોંપી આપ્યો છે.
Read Original Article →