સન્ડે ફોટો સ્ટોરી:નીતિમાં ખોટ : તસવીર બે, બેદરકારી એકસમાન

Gujarat4/5/2026, 12:24:11 AM
સન્ડે ફોટો સ્ટોરી:નીતિમાં ખોટ : તસવીર બે, બેદરકારી એકસમાન
યુનિ.ના વહીવટી ભવનના પ્રવેશદ્વારે નબળાં કામનું પ્રતિબિંબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને મળતી વિકાસ કામોની વિવિધ ગ્રાન્ટોમાંથી તાજેતરમાં ડામર રોડ સહિતના કામો કરવામાં આવ્યા છે. જોકે કોઈપણ જાતના નક્કર આયોજન વિના કરાતા કામોની ખામીઓ ઉડીને આંખે વળગી રહી છે. ભાવનગર શહેરમાં ગઈકાલે શુક્રવારે સાંજે વરસેલા કમોસમી વરસાદથી યુનિવર્સિટીના વહીવટી ભવનના પ્રવેશદ્વારે ભરાયેલું પાણીનું ખાબોચીયું શનિવારે પણ યથાવત છે. ખાબોચીયામાં ભરેલા પાણીમાં ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં થયેલા નબળાં કામનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. રાજ્યપાલ માટે રિપેર કરેલા રોડમાં 6 દિવસમાં ભૂવો પડ્યો ભાવનગર કોર્પોરેશન પર અવારનવાર રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થતા રહ્યા છે. સાધારણ સભામાં પણ વિરોધ પક્ષ પણ રોડમાં બેદરકારી સામે સવાલો ઉઠાવતો રહ્યો હતો. પરંતુ તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગી છે. ભાવનગર ખાતે કાર્યક્રમમાં રાજ્યપાલ આવવાના હોવાથી એરપોર્ટ રોડ પર મુની દેરી ચોક સહિતના રસ્તા હજુ 6 દિવસ પૂર્વે રિપેર કરાયા હતા. ત્યાં તે રોડ પર ભૂવો પડ્યો છે. રસ્તામાં પડેલા ભૂવાને કારણે વાહન અકસ્માત થવાની પણ ભીતિ છે. છતાં ભૂવા ફરતે સલામતીના ભાગ રૂપે કોઈ આડશ સુધ્ધા મુકવામાં આવી નથી.
Read Original Article →