આખો દિવસ મજૂરી અને રાત્રે ઢોરની ચોકીદારી:50થી વધુ પશુઓ ચોરાયા છતાં પોલીસ ઊંઘતી ઝડપાઈ; પશુપાલકોનો ઉગ્ર આક્રોશ

Gujarat6/3/2026, 10:35:16 AM
આખો દિવસ મજૂરી અને રાત્રે ઢોરની ચોકીદારી:50થી વધુ પશુઓ ચોરાયા છતાં પોલીસ ઊંઘતી ઝડપાઈ; પશુપાલકોનો ઉગ્ર આક્રોશ
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પશુચોરી કરનારી ટોળકી ભારે સક્રિય થઈ છે. ચોરો એટલા બેફામ બન્યા છે કે રાત્રિના અંધકારમાં પશુપાલકોના વાડાના તાર કાપીને પશુઓની ચોરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં પંથકમાંથી ૫૦થી વધુ મોંઘાઘાટ પશુઓ ચોરાઈ ગયા હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કે નાઈટ પેટ્રોલિંગ ન કરાતા પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે, ગરીબ પશુપાલકો દિવસભર સીમમાં મજૂરી કર્યા બાદ રાત્રે પોતાના ઢોરને બચાવવા માટે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. આજે મોટી સંખ્યામાં પીડિત પશુપાલકોએ એકઠા થઈને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ચોરોને જલ્દી પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. “એક જ રાતમાં ત્રણ જગ્યાએ ચોરી”: દેવુરભાઈ સોસલા સ્થાનિક પશુપાલક દેવુરભાઈ સોસલાએ પોતાના વાડામાંથી થયેલી ચોરી અંગે મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, “ચોરોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ગત શનિવારે રાત્રે આશરે બે થી અઢી વાગ્યાના સુમારે તસ્કરો મારા વાડાના લોખંડના તાર કાપીને મારી બે-અઢી વર્ષની કિંમતી પાડી ચોરી ગયા હતા. નવાઈની વાત એ છે કે તે જ રાત્રે અમારા ગામમાં એકસાથે ત્રણ અલગ-અલગ જગ્યાએ પશુચોરીના બનાવો બન્યા હતા. ચોરો ગાડીઓ લઈને આવે છે અને પશુઓ ભરીને રફુચક્કર થઈ જાય છે.” પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપ અન્ય એક પશુપાલક ભરતભાઈ ચાવડાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ સિલસિલાબદ્ધ ચોરીઓ અંગે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસના પેટનું પાણી હલતું નથી. અત્યાર સુધી પોલીસ દ્વારા ઘટનાસ્થળે આવીને કોઈ પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી નથી કે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું નથી. બીજી તરફ, આવેદનપત્ર આપવા પહોંચેલા પશુપાલકોને પોલીસ તંત્રના અસંવેદનશીલ વલણનો સામનો કરવો પડ્યો હતો. પશુપાલકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, તેઓ પોતાની રજૂઆત લઈને કલાકો સુધી પોલીસ સ્ટેશનની બહાર કાળઝાળ ગરમીમાં ઊભા રહ્યા, છતાં કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીએ બહાર આવીને તેમની સમસ્યા સાંભળવાની કે આવેદનપત્ર સ્વીકારવાની તસ્દી સુધ્ધાં લીધી નહોતી. “પોલીસને દારૂ-જુગાર પકડવામાં રસ છે, ગરીબોની કમાણીમાં નહીં” પશુપાલક આગેવાન નિર્મળસિંહ વેગડએ પોલીસની કાર્યપ્રણાલી પર પ્રહાર કરતા જણાવ્યું કે, “સ્થાનિક પોલીસને માત્ર દારૂ અને જુગારના કેસો પકડવામાં જ રસ છે, કારણ કે ત્યાં તેમને મોટો ફાયદો દેખાય છે! ગરીબ પશુપાલકોની આખી જિંદગીની મહેનતની કમાણી સમાન પશુઓ ચોરાઈ રહ્યા છે, તેમાં પોલીસને કેમ કોઈ રસ નથી? છેલ્લા ૧૦ દિવસથી અમે આખું ગામ રાત-રાત જાગીને લાકડીઓ લઈને પશુઓની ચોકીદારી કરીએ છીએ. દિવસભર ધોમધખતા તડકામાં પશુઓ ચરાવવા જવાનું અને રાત્રે ચોરો સામે જાગવાનું, આવી અમાનવીય સ્થિતિમાં પશુપાલકો ક્યાં સુધી જીવશે?” પશુપાલકોની મુખ્ય માંગણીઓ અને આંદોલનની ચીમકી પશુપાલકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ ચોરીઓ અટકશે નહીં અને પોલીસ તંત્ર પોતાની કુંભકર્ણ નિદ્રામાંથી બહાર નહીં આવે, તો સમગ્ર જિલ્લાના પશુપાલકો પોતાના પશુઓ સાથે હાઇવે ચક્કાજામ કરીને ઉગ્ર આંદોલન છેડશે, જેની તમામ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે.
Read Original Article →