પાર્કિન્સન દિવસ વિશેષ:પાર્કિન્સનના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં 8 %વધ્યા

Gujarat4/11/2026, 12:24:18 AM
પાર્કિન્સન દિવસ વિશેષ:પાર્કિન્સનના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં 8 %વધ્યા
ભારત સહિત વિશ્વમાં દર વર્ષે તા.11મી એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસ ઉજવવામાં આવે છે. જેમણે સૌ પ્રથમ વખત પાર્કિન્સન રોગ વિશે વિશ્વને માહિતગાર કર્યા તેવા ફ્રાંસના ન્યૂરોલોજીસ્ટ ડો.જેમ્સ પાર્કિન્સના જન્મ દિવસની યાદમાં મનાવવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રે પાર્કિન્સન એક ન્યુરોલોજિકલ બીમારી છે ત્યારે આ વર્ષે "સાથે મળીને આપણે કરી શકીએ છીએ"ની થીમ સાથે કાલે તા.11મી એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસની ઉજવણીમાં લોકોમાં જાગૃતિ વધે તેવા કાર્યક્રમો યોજાતા હોય છે. સ્થાનિક ભાવનગર સર ટી. હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં સરેરાશ આંક મુજબ વર્ષે 77 અને મહિને 6 નવા કેસ સાથે પાર્કિન્સનના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં 8 ટકાનો વધારો થયો છે. ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી સર ટી. હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં પાર્કિન્સન સહિતના વિવિધ પ્રકારના રોગોથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. સર ટી.ની મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં વિવિધ સમસ્યાથી પીડિત વર્ષ-2024માં 108607 દર્દીઓ અને વર્ષ-2025માં 139383 દર્દીઓની કરાયેલી સારવારમાં વર્ષ-2024માં 77 અને વર્ષ-2025માં 81 પાર્કિન્સન પીડિત દર્દીઓ આવ્યા હતા. સર ટી. હોસ્પિટલમાં વર્ષ-2023થી 2025 સુધીના ત્રણ વર્ષના સમયગાળામાં દર પાર્કિન્સનના દર્દીઓમાં ટકાવારી મુજબ દર વર્ષે 2.6થી 5.2 ટકાનો વધારો થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં તબીબી ક્ષેત્રે જટિલ બીમારી કહી શકાય તેવા પાર્કિન્સનના વધતા દર્દીઓ ચિંતાજનક બાબત છે. સર ટી. હોસ્પિટલમાં પાર્કિન્સનના દર્દીઓ (સ્ત્રોત : , સર ટી. હોસ્પિટલ) પાર્કિન્સન મટી ન શકે માત્ર કંટ્રોલમાં લાવી શકાય સર ટી. હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં વિવિધ પ્રકારના રોગોથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જેમાં ન્યુરોલોજિકલ બીમારીમાં ગણાતા પાર્કિન્સનના દર્દીઓ પણ મળી આવતા હોય છે. મેડિસિન વિભાગની ઓ.પી.ડી.ના છેલ્લા ત્રણ વર્ષના આંકડા અનુસાર પાર્કિન્સન પીડિત 233 દર્દીઓ મળ્યા છે ત્યારે સારવારથી પાર્કિન્સન મટી ન શકે માત્ર કંટ્રોલમાં લાવી શકાય છે. — ડો.સુનિલ પંજવાણી, એચ.ઓ.ડી., મેડિસિન વિભાગ, સર ટી. હોસ્પિટલ ભાવનગર મગજમાં ચેતાતંતુઓ ક્ષતિગ્રસ્ત બને તો પાર્કિન્સન થાય મગજના ચોક્કસ પ્રકારના ચેતાતંતુઓમાં ક્ષતિને કારણે શરીરમાં ધ્રુજારી કે કંપન કરાવતા રોગનો ભારતીય આયુર્વેદમાં 'કંપવાત' તરીકે ઉલ્લેખ જોવા મળે છે. માનવ શરીરના મધ્ય મગજના 'સબસ્ટૅન્શિયા નાઇગ્રા' વિસ્તારમાં 'પાર્સ કૉમ્પેક્ટા' ચેતાતંતુઓ ક્ષતિગ્રસ્ત થઈને નાશ પામવા લાગે ત્યારે આ કોષો દ્વારા નિર્મિત 'ડોપામીન' નામના જૈવરાસાયણનું ઉત્પાદન ઘટી જાય છે. જ્યારે તેનું ઉત્પાદન 80 ટકા જેટલું ઘટી જાય, ત્યારે પાર્કિન્સન્સનાં લક્ષણ દેખા દે છે. જેથી વ્યક્તિના શરીરનું હલનચલન ઘટી જાય છે અને હાથપગમાં ધ્રુજારી કે કંપન તથા સ્નાયુઓમાં કઠોરતા વગેરે લક્ષણ જોવા મળે છે. આ ચિહ્નોની શરૂઆત શરીરની એકબાજુએથી થાય છે અને ધીરે-ધીરે રોગ બંને તરફ પ્રસરે છે.
Read Original Article →