માતા-પુત્ર પર દીકરીના સાસરિયાઓનો હુમલો:દીકરીને મનદુ:ખ થતા લેવા માટે ગયા હતા પાદરગઢ ગામ, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ

Gujarat4/7/2026, 12:07:37 PM
માતા-પુત્ર પર દીકરીના સાસરિયાઓનો હુમલો:દીકરીને મનદુ:ખ થતા લેવા માટે ગયા હતા પાદરગઢ ગામ, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ
ભાવનગરના તળાજાના પાદરગઢમાં માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠળિયા ગામના એક પરિવારના ભાઈ-બહેનના લગ્ન પાદરગઢ ગામે સમાજના રિવાજ મુજબ સામસામે કર્યા હતા. જેમાં પુત્રીને તેના સાસરિયામાં મનદુ:ખ સર્જાયું હતું. જેના કારણે માતા-પુત્ર તેની દીકરીને લેવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરિયાઓએ વૃદ્ધા અને તેના પુત્ર પર હુમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે માતાએ દાઠા પોલીસ મથકમાં ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રીને લેવા માટે ગયાને હુમલો થયો આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, વૃદ્ધાના પુત્ર લાલજી અને પુત્રી ગીતાના લગ્ન સામસામે કુંચા પરિવારમાં કર્યા હતા. તાજેતરમાં દીકરીને તેના સાસરિયાઓ સાથે કોઈ મુદ્દે વાંધો પડતા ફરિયાદી બાલીબેન અને તેમનો પુત્ર લાલજી તેમની દીકરી ગીતાના દીકરા-દીકરીને તેડવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરીયા જેમાં જમાઈ દિલીપ કુંચા, ગીગા કુંચા, લાલજીની પત્ની સોનલ અને વિઠ્ઠલ કુંચાએ બાલીબેન અને તેમના પુત્ર લાલજી સાથે ઝઘડો કર્યો હતો. 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ઝઘડો ઉગ્ર થતા માતા-પુત્ર પર ધોકા વડે હુમલો કરી નાની મોટી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બબાલમાં ઈજાગ્રસ્ત માતા પુત્રને પ્રથમ દાઠા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. જો કે ત્યારબાદ વધુ સારવાર માટે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે દાઠા પોલીસે દિલીપ કુંચા, ગીગાભાઈ કુંચા,વિઠલ કુંચા, સોનલબેન સહિતના તમામ વિરુદ્ધ BNS 115(2), 117(2), 352, 351(3), 54 તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →