સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:હવે વિદ્યાર્થીઓનો પ્રવાહ આર્ટસ તરફ વળ્યો : ગુજરાતમાં7 વર્ષમાં ધો.12 આર્ટસના વિષયોમાં 2,44,252નો વધારો

Gujarat4/13/2026, 1:17:41 AM
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે અને હવે પરિણામ જાહેર થવાની રાહ છે ત્યારે કોલેજ કક્ષાએ પસંદગી અને કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો તેની વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં મથામણ શરૂ થઈ ગઈ છે. યુવા પેઢીમાં IAS, IPS કે ઉચ્ચ સરકારી નોકરી મેળવવાનો રસ વધ્યો છે, તેથી વિદ્યાર્થીઓ આર્ટસની પસંદગી કરી રહ્યા છે. આથી જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12 સા.પ્ર.માં આર્ટસના વિષયોમાં 2019થી 2026ના સમયગાળા દરમિયાન આર્ટસના વિષયો સોશિયોલોજી, સાયકોલોજી, ફિલોસોફી અને જીઓગ્રાફી જેવા ચાર વિષયોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 2,44,252 નો જબ્બર વધારો ગુજરાતમાં થયો છે. આ ઉપરાંત છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી જે 42 વિદ્યાર્થીઓ યુપીએસસીની દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી છે અને આગળ જતા આઇએએસ કે આઇપીએસ થવાના છે તેમાં 40 વિદ્યાર્થીના વિષય જાણવા મળ્યા આ 40 પૈકી 31 વિદ્યાર્થીઓએ આર્ટસ સંબંધિત વિષય રાખીને યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. ગત વખતે જે 26 વિદ્યાર્થી ગુજરાતમાંથી યુપીએસસીની પરીક્ષામાં પાસ થયા છે તે પૈકી 2 4ના વિષય જાણવા મળ્યા છે તેમાં 18ને આર્ટસ સંબંધિત વિષય હતા જ્યારે તે પહેલાના વર્ષે ગુજરાતમાંથી જે 16 વિદ્યાર્થી યુપીએસસીમાં પાસ થયેલા તેમાં 13ને આર્ટસના વિષય હતા. આમ, 2024 અને 2025ના બે વર્ષમાં ગુજરાતમાં જે 42 વિદ્યાર્થીઓ પાસ થયા તે પૈકી 40ના વિષય જાણવા મળ્યા છે અને તે પૈકી 31 વિદ્યાર્થીઓ એટલે કે 77.5 ટકા વિદ્યાર્થીઓએ આર્ટસના વિષય રાખીને યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. ગુજરાત રાજ્યમાં આર્ટસની તુલનામાં સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં મુખ્ય વિષયમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. જ્યારે આઈએએસ કે આઈપીએસ થવા માટેની યુપીએસસીની પરીક્ષામાં આ વખતે 26 તારલાઓ પાસ થયા છે જેમાં 7 ઉમેદવારને સોશિયોલોજીનો વિષય હતો.યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભાષા અને કલા સંબંધિત નવા અને વ્યવહારુ વિષયોને કારણે પણ રસ વધ્યો છે અને તેમાંથી મળતી કારકિર્દીની ઉજ્જવળ તકોને કારણે આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આર્ટસ રાખવાથી ફાયદો આર્ટસના વિષય લેનાર વિદ્યાર્થીને યુપીએસસીમાં ફાયદો રહે છે. સિવિલ સર્વિસીસના વિવિધ તબક્કાની પરીક્ષામાં આર્ટસ વિષયનો સૌથી વધુ અભ્યાસ કરવાનો હોય છે અને આર્ટસ પ્રવાહના વિદ્યાર્થીઓને તેનો લાભ મળે છે. આ વિષયોમાં ઇતિહાસ, જાહેર વહીવટ, રાજનીતિ વિજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા વિશેષ વિષયો છે. આ ચોક્કસપણે લાભદાયક છે. કારણ કે વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં આ વિષયોનો અભ્યાસ કરી ચૂક્યા છે. > ભાવિક કામદાર, આચાર્ય, આર્ટસ વિભાગ, જ્ઞાનમંજરી કોલેજ ધો.12 આર્ટસમાં મુખ્ય 4 વિષયમાં વધારો
Read Original Article →