ઠગાઇ:નિલમબાગના હોમગાર્ડની હથિયાર લાયસન્સના બહાને 4.5 લાખની ઠગાઇ

Gujarat4/13/2026, 1:18:32 AM
ભાવનગર શહેરમાં રહેતા એક યુવકને નિલમબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડે બંધૂકનું લાયસન્સ અપાવવાના બહાને યુવકના ડ્રાઇવર સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં ડ્રાઇવરે અને હોમગાર્ડે બંન્નેએ એક સંપ કરી યુવક પાસેથી 4.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભાવનગર શહેરમાં વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ચિંતનભાઇ જયેન્દ્રભાઇ શાહ સાથે ગત મે માસમાં કેટલાક શખ્સોએ તેમની કારને સળગાવી દિધી હતી. જે મામલે નિલમબાગ પોલીસ મથકમાં આરોપીઓ વિરૂદ્ધ તેમને પોલીસ ફરિયાદ કરેલ હતી. જે બાદ નિલમબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા રાકેશ પરમાર નામના હોમગાર્ડ અવાર નવાર ચિંતનભાઇના ઘરે જતા હતા અને ચિંતનભાઇને કંઇ કામ હોય તો મને જણાવશો તેમ કહેતા હતા. જે બાદ રાકેશ પરમાર નામના હોમગાર્ડે ચિંતનભાઇને કહેલ કે, તમારી સેફ્ટી માટે તમારે હથિયાર રાખવું જોઇએ તેમ જણાવેલ હતું. જેને લઇને રાકેશ પરમારે ચિંતનભાઇના ડ્રાઇવર પાર્થ ત્રિવેદી સાથે મેળાપીપણું કર્યું હતું અને બંન્ને શખ્સોએ ચિંતનભાઇને રૂા. 4.5 લાખ રૂપિયામાં બંદૂકનું લાયસન્સ અપાવવાનું કહ્યું હતું અને ચિંતનભાઇ પાસેથી રૂા. 4.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ આજદિન સુધી હોમગાર્ડે બંદૂકનું લાયસન્સ ન અપાવી સાડા ચાર લાખની ઠગાઇ આચરી હોવાની જાણ થતાં ચિંતનભાઇએ નિલમબાગ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને હોમગાર્ડ રાકેશ પરમાર અને પાર્થ ત્રિવેદી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસ મથકમાં અનેક ધક્કા ખાવા છતાં હોમગાર્ડ રાકેશ પરમાર વિરૂદ્ધ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, આ મામલે પોલીસે નિવેદન લીધા હોવાનું ચિંતનભાઇ શાહએ જણાવ્યું હતું. પોલીસમાં હોમગાર્ડ વિરૂદ્ધ અરજી આપી છે રાકેશ પરમાર અનેક વખત મારા ઘરે આવેલ હતો. હથિયારનું લાયસન્સ મેળવવામાં 12 થી 15 લાખ રૂપિયા થાય છે પરંતુ હું તમને 4 થી 5 લાખ રૂપિયામાં બંદૂકનું લાયસન્સ અપાવી દઇશ તેમ કહી મારો વિશ્વાસ કેળવી લીધો હતો. અને પ્રથમ ચાર લાખ રૂપિયા લીધા હતા અને બાદમાં પોલીસ વેરીફીકેશનના પચાસ હજાર મળી કુલ રૂા. 4.50 લાખ પડાવ્યા હતા. મેં એક સપ્તાહ અગાઉ નિલમબાગ પોલીસ મથકમાં રાકેશ પરમાર વિરૂદ્ધ અરજી આપેલ છે.આ ઘટનાને લઇને મેં ભાવનગર SPને રજુઆત કરી છે.
Read Original Article →